ફ્લાઈટ્સ રદ્દ થઈ અને મુસાફરોને જાણ પણ ન કરાઈ!!

નવી દિલ્હીઃ કોરોના વાયરસ લોકડાઉનના કારણે બંધ પડેલી વિમાન સેવાને બે મહિના બાદ આજથી ફરી શરુ કરવામાં આવી છે. દેશના કેટલાય એરપોર્ટ્સ દ્વારા ડોમેસ્ટિક ફ્લાઈટ્સ શરુ કરવામાં આવી છે. આ દરમિયાન, દિલ્હી, મુંબઈ અને અન્ય એરપોર્ટ્સ પર ફ્લાઈટ્સ રદ્દ થવાથી મુસાફરો વચ્ચે અફડાતફડીની સ્થિતિ બની છે. યાત્રીઓની ફરિયાદ છે કે તેમની ફ્લાઈટ્સ રદ્દ કરી દેવામાં આવી છે અને આની કોઈ જાણકારી પણ આપવામાં આવી નથી. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટસથી 82 ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી છે. આમાં દિલ્હી આવનારી અને જનારી ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે. યાત્રીઓ આનાથી રોષે ભરાયા છે. તેમનો દાવો છે કે, તેમને છેલ્લી ઘડી સુધી ફ્લાઈટ્સ રદ્દ થયાની જાણકારી આપવામાં નથી આવી. આવો જ માહોલ મુંબઈ એરપોર્ટ પર પણ જોવા મળ્યો, અહીંયા લોકો ફ્લાઈટ્સ રદ્દ થવાથી મુશ્કેલીમાં મુકાયા હતા.

છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટથી પ્રથમ ફ્લાઈટ સવારે 6 વાગ્યે અને 45 મીનિટ પર પટણા માટે રવાના થઈ હતી. મુંબઈ એરપોર્ટ દેશનું બીજું સૌથી મોટું એરપોર્ટ છે. મુંબઈ એરપોર્ટ પ્રતિદિન 50 ફ્લાઈટ્સ મેનેજ કરશે.

એરપોર્ટ પર એક મહિલાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, અમારે દિલ્હી જવાનું હતું પરંતુ જ્યારે અમે અહીંયા આવ્યા ત્યારે અમને જણાવવામાં આવ્યું કે, તમારી ફ્લાઈટ રદ્દ થઈ ગઈ છે. કસ્ટમર કેરના એક કર્મચારીએ જણાવ્યું કે, એક ફ્લાઈટ છે કે જે આજે રાત્રે ઉપડશે. પરંતુ શક્ય છે કે, તેના સમયમાં પણ બદલાવ કરવામાં આવ્યો હોય. જો કે હજી કંઈ કન્ફર્મ નથી. મહિલાની ફ્લાઈટ સવારે 11:05 વાગ્યાની હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]