સસ્પેન્ડ કરાયેલા વિપક્ષી સાંસદોનું દૈનિક ભથ્થું પણ કાપી લેવાશે

નવી દિલ્હીઃ અતિશય ઘોંઘાટ કરીને અને ખલેલ પહોંચાડીને ગૃહની કાર્યવાહીને ખોરવી નાખવાના ગુનાસર લોકસભામાંથી 95 અને રાજ્યસભામાંથી 46 વિપક્ષી સભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.

 

લોકસભા સચિવાલય તરફથી બહાર પાડવામાં આવેલા એક સર્ક્યૂલરમાં આ સભ્યોનાં નામ આપવામાં આવ્યા છે.

સર્ક્યૂલરમાં જણાવવામાં આવ્યું છે કે આ સભ્યો જ્યાં સુધી સસ્પેન્ડ કરાયેલાં રહેશે ત્યાં સુધી સંસદભવનની ચેમ્બરોમાં, લોબીમાં કે ગેલેરીમાં પ્રવેશ કરી શકશે નહીં. તેઓ સંસદીય સમિતિઓમાં સભ્ય તરીકે નિયુક્ત કરાયા હશે તો પણ તેઓ એની બેઠકમાં હાજરી આપી શકશે નહીં. સર્ક્યૂલરમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે સસ્પેન્ડ કરાયેલાં સભ્યો કોઈ પણ પ્રકારનું ભથ્થું મેળવવાને પાત્ર રહેશે નહીં.

આ 141 વિપક્ષી સંસદસભ્યોને સંસદના શિયાળુ સત્રના બાકી રહેલા હિસ્સામાં ભાગ લેવા પર મનાઈ ફરમાવી દેવામાં આવી છે. સંસદભવનમાં સુરક્ષા વ્યવસ્થામાં કરાયેલા ભંગના મુદ્દે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ નિવેદન કરે એવી વિપક્ષની માગણીની રજૂઆત વખતે અતિશય ઘોંઘાટ, શોરબકોર કરીને ગૃહની કાર્યવાહી ખોરવી નાખવા બદલ આ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.