કાબુલ- બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનોએ હવે તેમનું ઠેકાણું બદલી નાંખ્યું છે. ગુપ્ત એજન્સીના રિપોર્ટ અનુસાર આતંકી સંગઠન જેશ-એ-મોહમ્મદ (JEM) અને લશ્કર-એ-તોયબા (LeT)એ બાલકોટ હવાઈ હુમલા પછી હક્કાની નેટવર્ક અને અફઘાન તાલિબાન જેવા ચરમપંથી સંગઠનો સાથે હાથ મિલાવ્યો છે.
રિપોર્ટ અનુસાર જેશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તોયબા જેવા આતંકી સંગઠન અફઘાનિસ્તાનના કંધાર અને કુનાર સહિત આંતરરાષ્ટ્રીય સરહદ નજીક તેમનું ઠેકાણુ બનાવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, બાલાકોટ એર સ્ટ્રાઈકનો બદલો લેવા માટે આતંકી અહીં પર ખતરનાક ટ્રેનિંગ લઈ રહ્યા છે. કંધારમાં ભારતીય દૂતાવાસ પર આતંકી હુમલાની ગુપ્ત રિપોર્ટ બાદ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.
14 ફેબ્રુઆરીના પુલવામા આતંકી હુમલા પછી ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરીને આતંકી ઠેકાણાઓને તબાહ કરી નાખ્યા હતાં. હુમલા પછી આતંરરાષ્ટ્રીય દબાણને કારણે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન અફધાનિસ્તાનમાં તાલિબાનના પ્રભુત્વ વાળા વિસ્તારોમાં સુરક્ષિત ઠેકાણા પર છુપાયેલા છે.
હક્કીકતમાં આતંકી સંગઠન જેશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તોયબાના અફઘાનિસ્તાનમાં ઠેકાણા બનાવવાનો ઘટસ્ફોટ આ વર્ષે જ થયો હતો, જ્યારે અફઘાન સુરક્ષાદળોએ જલાલાબાદથી જેશના બે આતંકીઓ સિદ્દિક અકબર અને અતાઉલ્લાની ધરપકડ કરી હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર ફાઈનાન્શિઅલ એક્શન ટાસ્ક ફોર્સે દ્વારા પાકિસ્તાનને બ્લેક લિસ્ટથી બચવા માટે પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન અફઘાનિસ્તાનમાં સરહદ પર તેમના ઠેકાણાઓ બદલી રહ્યા છે. એફએટીએફ આતંકવાદ ફંડિંગ પર નજર રાખતી વૈશ્વિક સંસ્થા છે. હાલમાં પાકિસ્તાન એફએટીએફની ગ્રે યાદીમાં છે. ભારત ઈચ્છે છે કે, પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં નાખી દેવામાં આવે. જો પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં નાખી દેવામાં આવે તો પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર ગંભીર અસર પડશે.