નવી દિલ્હી – નાગરિકતા સુધારિત કાયદા (CAA) મામલે કેન્દ્ર સરકારને આજે સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. CAA તથા નેશનલ પોપ્યૂલેશન રજિસ્ટર (NPR)ના અમલ સામે સ્ટે ઓર્ડર આપવાનો કોર્ટે આજે ઈનકાર કરી દીધો હતો અને એવો સંકેત આપ્યો હતો કે આ કેસમાં સુનાવણીઓ કરવા માટે એક બંધારણીય બેન્ચની રચના કરવામાં આવશે.
આજે દેશના ચીફ જસ્ટિસ શરદ બોબડે તથા ન્યાયમૂર્તિઓ અબ્દુલ નઝીર અને સંજીવ ખન્નાની 3-સભ્યોની બેન્ચે એમ કહ્યું હતું કે વચગાળાના આદેશના પાંચ અઠવાડિયા બાદ આ કેસને સુપ્રીમ કોર્ટમાં લિસ્ટ કરાશે. કોર્ટે આજે એમ પણ કહ્યું કે આ સંદર્ભમાં વચગાળાનો આદેશ આપવો કે નહીં એ નિર્ણય કોઈ બંધારણીય બેન્ચ જ લઈ શકશે.
CAAને લગતી તમામ બાબતોમાં સોગંદનામા નોંધાવવાનો સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે અને એ માટે તેને ચાર-સપ્તાહનો સમય આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આસામ અને ત્રિપુરાને લગતા કેસો પર અલગ રીતે સુનાવણી કરવામાં આવશે. કોર્ટે આ બાબતોમાં સહાયતા કરવા માટે સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલને જણાવ્યું છે.
એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ શંકાસ્પદ નાગરિક (ડાઉટફુલ સિટીઝન)નો મુદ્દો ઉઠાવ્યો હતો અને કોર્ટને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં અનેક પરિવારોની નોંધણી ‘ડાઉટફુલ સ્ટેટસ’માં કરવામાં આવી છે.
કપિલ સિબ્બલે ભારપૂર્વક કહ્યું કે આ પરિવારોનાં સભ્યો મતદાનનો અધિકાર ગુમાવી દે એવી સંભાવના છે.
કેન્દ્ર સરકાર વતી એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે દલીલ કરી હતી કે સરકારને 143 અરજદારોમાંથી માત્ર 60 જણની જ કોપીઓ આપવામાં આવી હતી તેથી કેન્દ્ર સરકારને આ બાબતમાં જવાબ આપવા માટે વધારે સમયની જરૂર છે.
સીએએ મામલે આજની સુનાવણી પૂરી કરતા પહેલાં સુપ્રીમ કોર્ટે દેશની તમામ હાઈકોર્ટ્સને આદેશ આપ્યો હતો કે તેમણે આ નવા કાયદા અંગે કોઈ પણ ઓર્ડર આપવો નહીં.
CAAને પડકારતી 140 જેટલી અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી કરી હતી. કોંગ્રેસી નેતા જયરામ રમેશ, AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસી તથા અનેક મુસ્લિમ સંગઠનોએ કરેલી અરજીઓનો પણ આમાં સમાવેશ થાય છે.
અમુક પીટિશન CAA કાયદાની તરફેણમાં પણ નોંધાવવામાં આવી છે.
મોટા ભાગની પીટિશનોમાં માગણી કરવામાં આવી છે કે CAA કાયદાને પાછો ખેંચી લેવામાં આવે.
પીટિશનોમાં એવી દલીલ કરવામાં આવી છે કે નવો કાયદો, જે સંસદે પાસ કરી દીધો છે, રાષ્ટ્રપતિએ મંજૂરીની મ્હોર મારી દીધી છે અને 10 જાન્યુઆરીથી અમલમાં આવી ગયો છે, તે ગેરકાયદેસર છે અને દેશના બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધમાં છે.
પીટિશનોમાં વધુમાં એવી દલીલ પણ કરવામાં આવી છે કે આ કાયદો સમાનતાના અધિકારની વિરુદ્ધનો છે, કારણ કે એમાં ધર્મના આધારે નાગરિકત્વ આપવાની જોગવાઈ છે.
અનેક રાજકીય પક્ષોએ CAA વિરુદ્ધ અરજી કરી છે. આમાં કોંગ્રેસ, ડીએમકે, સીપીઆઈ, સીપીએમ, ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, ઓલ ઈન્ડિયા મસજલીસ-એ-ઈત્તેહાદુલ મુસ્લીમીન અને કમલ હાસનની પાર્ટી મક્કલ નીધિ મૈયમનો સમાવેશ થાય છે.
CAA કાયદો બંધારણીય છે એવો ચુકાદો આપવાની માગણી કરતી એક અરજી પર ગઈ 9 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે એમ કહીને ઈનકાર કર્યો હતો કે દેશમાં અત્યારે અશાંતિનું વાતાવરણ ફેલાયું છે અને શાંતિ સ્થપાય એના પ્રયાસો થવા જોઈએ. કોર્ટનું કામ કાયદાની કાયદેસરતા નક્કી કરવાનું છે, એને બંધારણીય તરીકે જાહેર કરવાનું નહીં, એમ બેન્ચે જણાવ્યું હતું જેમાં ન્યાયમૂર્તિઓ બી.આર. ગવઈ અને સૂર્યકાંતનો સમાવેશ થતો હતો.
દરમિયાન, વિદ્યાર્થી સંગઠનોએ CAA કાયદાને પડકારતી અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણીનો દિવસ હોઈ આજે સમગ્ર ઈશાન ભારતમાં શાળા-કોલેજો બંધ રાખવાનું એલાન કર્યું છે.