હવે સૈફ અલી ખાન એના નિવેદનને લઇને ચર્ચામાં

નવી દિલ્હીઃ બોલીવુડના દમદાર એક્ટર સૈફ અલીખાનની ફિલ્મ તાન્હાજી બોક્સ ઓફિસ પર ખૂબ ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મમાં અજય દેવગણ મુખ્ય ભૂમિકામાં છે. પરંતુ ફિલ્મથી અલગ સૈફ અલી ખાન પોતાના એક નિવેદનને લઈને વિવાદોમાં આવ્યા છે. હકીકતમાં સૈફ અલી ખાને પોતાના એક નિવેદનમાં તાન્હાજી મામલે વાત કરતા કહ્યું કે, મને નથી લાગતું કે આ ઈતિહાસ છે. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, મને નથી લાગતું કે બ્રિટિશો પહેલા ઈન્ડિયાની કોઈ અવધારણા હતી. પોતાના આ નિવેદનને લઈને સૈફ અલી ખાન લોકોના નિશાને આવી ગયા છે. સોશિયલ મીડિયા પર લોકોએ માત્ર સૈફના નિવેદનનો વિરોધ તો કર્યો પરંતુ સાથે જ તેમના દિકરા તૈમૂર અલી ખાનના નામ પર પણ નિશાન સાધ્યું. સૈફ અલી ખાનના નિવેદનને લઈને તેના પર નિશાન સાધતા એક સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું કે, પ્રિય સૈફ અલી ખાન, કૃપા કરીને આ જૂના માનચિત્રને ન જોશો, જેમાં સ્પષ્ટ રીતે બ્રિટિશોથી જ ઈન્ડિયાના અસ્તિત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અન્ય એક યૂઝરે આ મામલે પોતાનું રિએક્શન આપતા કહ્યું કે, જ્યારે બ્રિટિશો આવ્યા ત્યાં સુધી ઈન્ડિયાનો કોઈ કોન્સેપ્ટ નહોતો તો પછી તેમણે ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું નામ કોના પર રાખ્યું હતું? આ સિવાય ઘણા સોશિયલ મીડિયા યૂઝર્સે સૈફ અલી ખાન પર તેમના નિવેદનને લઈને નિશાન સાધ્યું.

સૈફ અલી ખાને ફિલ્મ તાન્હાજીમાં ઉદયભાણ સિંહનું પાત્ર નિભાવ્યું છે. અજય દેવગણ અને સૈફ અલી ખાનની આ ફિલ્મ પર સમીક્ષકોએ સામાન્ય રિએક્શન આપ્યા હતા, ત્યારબાદ પણ તાન્હાજીએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. ફિલ્મે 170 કરોડ રુપિયાનો આંકડો પાર કરીને ગુડ ન્યૂઝ, મિશન મંગળ અને દબંગ 3 નો રેકોર્ડ તોડવાની નજીક પહોંચી ગયું છે.