આર્ટિકલ 370ને દૂર કરવાનો આદેશ બંધારણીય કાયદેસરઃ SC

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની બેન્ચે બંધારણના આર્ટિકલ 370ની જોગવાઈને દૂર કરવાને પડકાર આપતી અરજીઓ પર ચુકાદો આપતાં CJI ડી. વાય ચંદ્રચૂડે કહ્યું હતું કે આર્ટિકલ 370 એક હંગામી જોગવાઈ છે. જમ્મુ-કાશ્મીર પાસે દેશનાં અન્ય રાજ્યોથી અલગ આંતરિક સાર્વભૌમત્વ નથી.

સુપ્રીમ કોર્ટમાં કલમ 370 હટાવવાના નિર્ણય વિરુદ્ધ કુલ 22 અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જેના પર સતત 16 દિવસ સુધી મેરેથોન સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આજે ચુકાદો આપતાં કહ્યું હતું કે આ નિર્ણય લેવાનો રાષ્ટ્રપતિને અધિકાર છે. આમ કરવું એ બંધારણીય રીતે યોગ્ય જ હતું એવું સુપ્રીમ કોર્ટે કહ્યું હતું. પાંચ ઓગસ્ટ, 2019માં લેવાયેલા આર્ટિકલ 370 હટાવવાનો આ નિર્ણય આ કારણે સુપ્રીમ કોર્ટ દ્વારા આપેલ ચુકાદા પ્રમાણે નિર્ણય યથાવત રહેશે.

જોકે કોર્ટે આદેશ આપ્યો હતો કે 30 સપ્ટેમ્બર, 2024 સુધી જમ્મુ-કાશ્મીરમાં ચૂટણી યોજવામાં આવે. જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો જલદી બહાલ કરવામાં આવે અને ચૂંટણી યોજવા પગલાં ભરવામાં આવે.

બીજી તરફ આજે આ ચુકાદાને લઈને જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. સુરક્ષા દળોને કડક સૂચના આપવામાં આવી છે. રાજકીય પક્ષો સહિત દેશમાં તમામની નજર આ નિર્ણય પર છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે આ મામલાની સુનાવણી કર્યા બાદ ઘણા સમય પહેલાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

સુપ્રીમ કોર્ટ આજે બંધારણની કલમ 370 ની જોગવાઈઓને રદ કરવાના કેન્દ્રના ઓગસ્ટ 2019ના નિર્ણયની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરી હતી, જેણે અગાઉના જમ્મુ અને કાશ્મીર રાજ્યને તેનો વિશેષ દરજ્જો છીનવી લીધો હતો અને તેને લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવ્યું હતું.