વિપક્ષે પેટ્રોલ-ડીઝલ, રાંધણગેસને મુદે મોદી સરકારને ઘેરી

નવી દિલ્હીઃ કોરોના રોગચાળા પછી સામાન્ય જનતા મોંઘવારીના મારથી પિસાઈ રહી છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલની સાથે રાંધણગેસની કિંમતોમાં પણ વધારો થયો છે. સપ્તાહના પહેલા દિવસે જ રાંધણ ગેસની કિંમતોમાં રૂ. 50નો વધારો થયો છે, જ્યારે સતત સાતમા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારાનો સિલિસિલો જારી છે. મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે રૂ. 100ને પાર થઈ ગઈ છે. જેથી રાજકીય વિરોધ પક્ષોએ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારની તીખી આલોચના કરી છે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર વધતી મોંઘવારીને લઈને નિશાન સાધતાં દાવો કર્યો છે કે બે લોકોના લાભ માટે સામાન્ય લોકો પર લૂંટ ચલાવવામાં આવી રહી છે. તેમણે ટ્વીટ કરીને આ મુદ્દે કેન્દ્ર પર હુમલો કર્યો છે. તેમણે લખ્યું છે, जनता से लूट, सिर्फ दो का विकास।

સમાજવાદી પાર્ટીના નેતા આઇપી સિંહે પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો અંગે વડા પ્રધાનની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે કૃપા કરીને અચ્છે દિન પાછા આપો. તેમણે નામ લીધા વગર આરોપ લગાવ્યો હતો કે સોદાગર બધું વેચવા માગે છે, જ્યારે માર્ક્સવાદી પાર્ટીના મહા સચિવ સીતારામ યેચુરીએ પેટ્રોલ અને ડીઝલ અને એલપીજીની વધતી કિંમતો પર મોદી સરકાર પર આક્રોશ ઠાલવ્યો હતો.

તેમણે કેન્દ્રની  નીતિઓના અમલથી થોડાક લોકોને જ લાભ થતો હોવાનો આરોપ મૂક્યો હતો.  આમ આદમી પાર્ટીએ પણ એલપીજીની વધતી કિંમતો બાબતે વડા પ્રધાન મોદીની તીખી આલોચના કરી હતી.

 

 

 

 

,