લખનૌઃ ગૌસંરક્ષણને લઈને તાજેતરમાં જ પ્રદેશની પ્રત્યેક ગ્રામ પંચાયતમાં ગૌશાળા ખોલવાની જાહેરાત કરનારી ઉત્તરપ્રદેશની યોગી સરકારના પશુપાલન પ્રધાન બેરોજગારો માટે એક નવી ઓફર લઈને આવ્યા છે. ઉત્તર પ્રદેશના પશુપાલન પ્રધાન એસપી સિંહ બઘેલે પ્રદેશ સરકારને એક પ્રસ્તાવ સોંપ્યો છે.
આ પ્રસ્તાવમાં ગૌ સંરક્ષણ માટે ગૌશાળા ખોલવાની વાત કહેવામાં આવી છે. આ પ્રસ્તાવમાં કહેવાયું છે કે જે ખેડુતો અથવા અન્ય લોકો પાસે પાંચ વીઘા જમીન છે તે લોકો ગૌશાળા ખોલી શકે છે. આ ગૌશાળામાં રાખવામાં આવેલી પ્રત્યેક ગાય માટે સરકાર એક ચોક્કસ રકમ આપશે.
પશુપાલન પ્રધાન એસપી સિંહ બઘેલના પ્રસ્તાવ અનુસાર કોઈપણ ખેડુત ગાયો અથવા ગૌવંશ રાખવા માટે ગૌશાળા અથવા સંરક્ષણ કેન્દ્ર બનાવી શકે છે. આ ગૌશાળામાં 200 ગૌવંશ રાખી શકાય છે. પ્રત્યેક ગૌવંશના સંરક્ષણ માટે સરકાર આપને એક ચોક્કસ રકમ આપશે. જો તમે 200 ગૌવંશને રાખો છો તો સરકાર આપને પ્રતિ દિવસ 6 હજાર રુપિયા આપશે. આ પ્રકારે 200 ગૌવંશને એક મહીનો રાખવા માટે સરકાર દ્વારા આપને 1.80 લાખ રુપિયા આપવામાં આવશે. ગૌશાળા ચલાવનારા લોકોને ગૌવંશ માટે ચારા-પાણી સહિતની સુવિધાઓ કરવાની રહેશે.
આ સીવાય ગૌશાળાનું સંચાલન કરનારી વ્યક્તિ ગૌવંશના ગોબર, ગૌમૂત્ર અને દૂધથી પણ કમાણી કરી શકે છે. જો કે હજી આ પ્રસ્તાવ પર કોઈ નિર્ણય થઈ શક્યો નથી. યોગી સરકારે તાજેતરમાં જ પ્રદેશના તમામ જિલ્લાઓમાં ગૌ સંરક્ષણ કેન્દ્રના નિર્માણની જાહેરાત કરી છે. પ્રત્યેક ગૌ સંરક્ષણ કેન્દ્રના નિર્માણ પર 1.20 કરોડ રુપિયાનો ખર્ચ થશે. પ્રદેશમાં 52 જગ્યાઓ પર ગૌ સંરક્ષણ કેન્દ્રનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.