અરવિંદ કેજરીવાલની પુત્રીનાં અપહરણની ધમકીઃ રક્ષણ માટે અંગત સુરક્ષા અધિકારી તહેનાત

નવી દિલ્હી – દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલની 23 વર્ષીય પુત્રીનું અપહરણ કરવાનો ઈમેલ મળ્યા બાદ હર્ષિતા કેજરીવાલનાં રક્ષણ માટે એક પર્સનલ સિક્યુરિટી ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે.

દિલ્હી મુખ્ય પ્રધાન કાર્યાલયને ગઈ 9 જાન્યુઆરીએ હર્ષિતાનાં અપહરણનો ધમકીભર્યો નનામો ઈમેલ આવ્યો હતો. કાર્યાલયે તે ઈમેલ દિલ્હીના પોલીસ કમિશનરને ફોરવર્ડ કરી દીધો હતો. અજાણ્યા શખ્સ તરફથી નનામો ઈમેલ કેજરીવાલના ઈનબોક્સમાં આવ્યો હતો. એમાં જણાવ્યું છે કે, ‘અમે તમારી પુત્રીનું અપહરણ કરવાના છીએ. તમે એનું રક્ષણ કરવા માટે થાય તે કરી લો.’

દિલ્હીના સિવિલ લાઈન્સ વિસ્તારમાં આવેલા કેજરીવાલના નિવાસસ્થાને નોર્થ ડિસ્ટ્રીક્ટ પોલીસે એક PSOને તહેનાત કર્યા છે.

આ ઈમેલ ક્યાંથી આવ્યો અને કોણે મોકલ્યો તે વિશે દિલ્હી પોલીસની એક ખાસ ટીમ તપાસ કરી રહી છે.

આ કેસ સ્પેશિયલ સેલના સાઈબર સેલને સુપરત કરી દેવામાં આવ્યો છે. તપાસ અધિકારીઓ મેલ જ્યાંથી આવ્યો તે મૂળ સ્થાનનું આઈપી એડ્રેસ ચેક કરી રહ્યા છે.

કેજરીવાલના નિવાસસ્થાને સલામતીની વ્યવસ્થા વધારે કડક બનાવી દેવામાં આવી છે. પોલીસ તે વિસ્તારમાં ઝીણવટભરી દેખરેખ રાખી રહી છે.

કેજરીવાલ અને એમના પત્ની સુનિતાને બે સંતાન છે. પુત્રી હર્ષિતા અને નાનો પુત્ર પુલકિત. હર્ષિતાએ 2014માં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી એન્ટ્રન્સ પરીક્ષા પાસ કરી હતી. એ ત્યાં એન્જિનીયરિંગનો કોર્સ કરી રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]