દેશના પ્રત્યેક ઘરમાં પીવાનું પાણી, પ્લાસ્ટિક-મુક્ત ભારત: લાલ કિલ્લા પરથી પીએમ મોદીની જાહેરાત

નવી દિલ્હી – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશના 73મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે સવારે નવી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે ધ્વજવંદન કર્યું હતું અને ત્યારબાદ દેશવાસીઓને સંબોધન કર્યું હતું.

વડા પ્રધાન મોદીએ એમના સંબોધનમાં કહ્યું કે, જમ્મુ-કશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતી બંધારણની વિવાદાસ્પદ 370 અને 35A કલમોને રદ કરીને એમની સરકારે સ્વાયંત્ર્ય સેનાની અને દેશના પ્રથમ નાયબ વડા પ્રધાન અને ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલના સપનાને સાકાર કર્યું છે.

મોદીએ આ પ્રસંગે ‘જલ જીવન મિશન’ના અમલીકરણની જાહેરાત પણ કરી હતી અને કહ્યું કે દેશમાં પ્રત્યેક ઘરમાં પીવાનું પાણી મળતું થાય એની સરકાર તકેદારી લેશે.

વસ્તી નિયંત્રણ વિશે મોદીએ કહ્યું કે આ મુદ્દે ઘણી ચર્ચા કરવાની જરૂર છે અને વસ્તી વિસ્ફોટની સમસ્યા અંગે જનજાગૃતિ જગાવવાની જરૂર છે. મોદીએ કહ્યું કે વસ્તી વધારાને નિયંત્રણમાં રાખવું એ પણ એક પ્રકારની દેશભાવના છે.

વડા પ્રધાન મોદીના સંબોધનના મુખ્ય અંશઃ

વેકેશન ભારતમાં જ માણવાની પરિવારોને વિનંતી કરી

મોદીએ કહ્યું કે દર વર્ષે વિદેશમાં જઈને વેકેશન માણનારા તમામ પરિવારોને હું વિનંતી કરું છું કે તેઓ પહેલાં ભારતમાં જ પ્રવાસ કરે. ભારતમાં ઓછામાં ઓછા 15 પર્યટન સ્થળોની મુલાકાત લે

પ્લાસ્ટિક-મુક્ત ભારત

મોદીએ દેશને પ્લાસ્ટિકથી મુક્ત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને કહ્યું કે પ્લાસ્ટિક-મુક્ત ભારત બનાવવાનો સમય હવે આવી ગયો છે. આ દિશામાં આવતી બીજી ઓક્ટોબરે સરકાર એક મહત્ત્વનું પગલું ભરવાની છે.

મોદીએ કહ્યું કે શું આપણે સિંગલ-યુઝ પ્લાસ્ટિકથી ભારતને મુક્ત કરી ન શકીએ? આ વિચારને અમલમાં મૂકવાનો સમય આવી ગયો છે. આવતી બીજી ઓક્ટોબરે આપણે એક મહત્ત્વનું પગલું ભરીશું.

Rupay કાર્ડ સિંગાપોરમાં પણ ચાલે છે

વડા પ્રધાને દેશભરના દુકાનદારોને અપીલ કરી છે કે પ્લાસ્ટિકથી મુક્તિ અપાવવા માટે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને પ્રોત્સાહન આપવામાં ઘણા મદદરૂપ થઈ શકે છે. દુકાનદારો જેમ એમની દુકાનમાં ‘આજે રોકડા, કાલે ઉધાર’ સૂત્રનું બોર્ડ લગાવે છે એવી જ રીતે આવું પણ બોર્ડ લગાવે કે ‘ડિજિટલ પેમેન્ટને હા, કેશને ના’. મોદીએ કહ્યું કે આપણા દેશનું Rupay કાર્ડ સિંગાપોરમાં પણ માન્ય છે અને આશા છે કે ટૂંક સમયમાં જ એ બીજા દેશોમાં પણ માન્ય કરાશે. દુનિયા ભારત દેશને બજાર માને છે, પણ હવે આપણે પણ દુનિયાને માટે તૈયાર રહેવું પડશે. દેશના દરેક જિલ્લામાં કંઈને કંઈ ખૂબી છે. કોઈક પેન્ટિંગ માટે મશહૂર છે તો કોઈ સાડી માટે. આનો દુનિયાભરમાં પ્રચાર કરવો જોઈએ. દેશના ઉત્પાદનોને ગ્લોબલ માર્કેટ સુધી પહોંચાડવાના જરૂરી છે.

ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ (CDS) હોદ્દાની જાહેરાત

મોદીએ જાહેરાત કરી હતી કે ભારતમાં ભૂમિદળ, હવાઈ દળ અને નૌકાદળ – એમ સેનાની ત્રણેય પાંખના સંયુક્ત વડા – ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફના નવા હોદ્દાની રચના કરવામાં આવશે. ત્રણેય સેનાઓના પ્રભાવશાળી નેતૃત્વ માટે ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફની વ્યવસ્થા શરૂ કરાશે, એમ તેમણે કહ્યું. ભારત માટે CDSનું પદ મહત્વનું હશે, એનાથી સેનાની કુશળતામાં વધારો થશે.

દેશ બનશે 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર

વડા પ્રધાને કહ્યું કે એમની સરકાર આવનારા પાંચ વર્ષમાં આધુનિક પાયાની સવલતોનાં વિકાસ માટે 100 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. એનાથી દેશના અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલર (પાંચ લાખ કરોડ ડોલર)નો આકાર આપવામાં મદદ મળશે. ઘણા લોકોને એ વાત મુશ્કેલ જણાય છે કે ભારતીય અર્થતંત્ર પાંચ ટ્રિલિયન ડોલરનું બની નહીં શકે, પરંતુ વાત એમ છે કે મુશ્કેલ કામ નહીં કરીએ તો દેશ આગળ કેવી રીતે વધશે. આઝાદી મળ્યા બાદના 70 વર્ષોમાં, 2014 સુધીમાં, દેશ 2 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બન્યો હતો. અમે પાંચ જ વર્ષમાં એમાં 1 ટ્રિલિયન ડોલર ઉમેર્યા અને આજે દેશ 3 ટ્રિલિયન ડોલરનો થયો છે. હવે અમે 5 ટ્રિલિયન ડોલરના અર્થતંત્રનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ કામ અઘરું જરૂર છે, પણ અસંભવ નથી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના 73મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે નવી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે પરંપરાગત કાર્યક્રમમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો અને ધ્વજને સલામી આપી હતી. મોદીએ એમના સંબોધનમાં કહ્યું, દેશમાં અનેક ભાગોમાં પૂર, ભારે વરસાદની આફત આવી છે એનાથી દુઃખ અને પરેશાની થઈ છે. મોદીએ જમ્મુ અને કશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની 370મી કલમ દૂર કરાઈ એ વિશે કહ્યું કે જે કામ 70 વર્ષમાં નહોતું કરાયું એ અમારી સરકારે સત્તર દિવસમાં કરી બતાવ્યું છે.






વડા પ્રધાન મોદીએ આ સતત છઠ્ઠી વાર લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો છે.