ભારતમાં ઓમિક્રોનના પેટા-વેરિઅન્ટ BA.2નો ફેલાવો વધ્યો

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ ચેપી બીમારીના એક પ્રકાર ઓમિક્રોનનો પેટા-વેરિઅન્ટ BA.2 વધારે ચેપી છે અને તે ધીમે ધીમે ભારતમાં વધારે પ્રસરી રહ્યો છે. આ ચેતવણી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આપી છે. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ સંસ્થાના ડાયરેક્ટર સુજીતકુમાર સિંહે કહ્યું છે કે ભારતમાં હવે ઓમિક્રોનના BA.1 વેરિઅન્ટ કરતાં ઓમિક્રોનનો પેટા-વેરિઅન્ટ BA.2 વધારે ફેલાતો જોવા મળ્યો છે. દેશમાં જોકે હજી BA.3 પેટા-વેરિઅન્ટ દેખાયો નથી.

સુજીતકુમાર સિંહે કહ્યું કે, પ્રવાસીઓના લોહીના લેવાયેલા નમૂનાનાં પરીક્ષણ પરથી માલૂમ પડ્યું હતું કે અગાઉ BA.1 વેરિઅન્ટે વર્ચસ્વ જમાવ્યું હતું, પણ હવે એવું માલૂમ પડ્યું છે કે BA.2 સબ-વેરિઅન્ટ ધીમે ધીમે એનો ફેલાવો વધારી રહ્યો છે. જાન્યુઆરીમાં દેશમાં ઓમિક્રોનનો શિકાર બનેલા દર્દીઓની સંખ્યા વધી ગઈ છે. કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ મહારાષ્ટ્ર, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે ફેલાયો હતો, પરંતુ ઓમિક્રોન વેરિઅન્ટ તો દેશમાં બધે જ ફેલાઈ ગયો છે. BA.2 સબ-વેરિઅન્ટે એશિયા અને યુરોપના દેશોમાં વર્ચસ્વ જમાવ્યું છે. ડેન્માર્કમાં આ ચેપ વિશેષ પ્રમાણમાં ફેલાયો છે. BA.2 વેરિઅન્ટ વધારે રોગ જન્માવે છે એ હજી સાબિત થયું નથી, પરંતુ એ ચોક્કસપણે વધારે ચેપી છે. દુનિયાભરમાં કોરોનાના નોંધાયેલા કુલ કેસોમાંથી 98 ટકા લોકોને BA.1 ચેપ લાગ્યો હતો. પરંતુ ડેન્માર્કમાં જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં BA.1ને BA.2 વેરિઅન્ટે પાછળ રાખી દીધો છે. પ્રાથમિક ચકાસણી પરથી કહી શકાય કે BA.1 કરતાં BA.2 વેરિઅન્ટ દોઢ ગણો વધારે ચેપી છે. બ્રિટન, સ્વીડન અને નોર્વેમાં પણ BA.2 કેસ નોંધાયા છે.