ઓમિક્રોન અનેક દેશોમાં પ્રસર્યોઃ જાપાને દરવાજા બંધ કર્યા

નવી દિલ્હીઃ કોરોના વાઇરસનું નવું સ્વરૂપ ઓમિક્રોન 13 દેશોમાં પહોંચી ચૂક્યો છે. ઓમિક્રોન વેરિયેન્ટ ડેલ્ટા વેરિયેન્ટથી છ ગણો વધુ શક્તિશાળી છે. WHOએ ઓમિક્રોન વેરિયેન્ટને બહુ વધુ હાઇ રિસ્ક પર રાખ્યો છે, ત્યારે આ જોખમને જોતાં મોદી સરકારે નવા દિશા-નિર્દેશ જારી કર્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ઓમિક્રોન પ્રભાવિત દેશોમાંથી આવતા પ્રવાસીઓએ ભારત પહોંચવા પર ફરજિયાત કોરોનાની તપાસની સાથે સાત દિવસ ક્વોરોન્ટિન રહેવું પડશે. બીજી બાજુ, જાપાને વિદેશીઓ માટે સરહદોને સીલ કરવાની ઘોષણા કરી છે. જાપાન પછી ઓમિક્રોનને કારણે ઇઝરાયેલે સૌથી આકરાં પગલાં લીધાં છે. જાપાનના વડા પ્રધાન ફુમિયો કિશિદાએ કહ્યું હતું રે અત્યાર સુધી સૌથી ખરાબ પરિસ્થિતિને અટકાવવા માટે જાપાને મંગળવારે સાવધાનીરૂપે વિદેશીઓ માટે સરહદો સીલ કરી છે. જોકે વડા પ્રધાને આને હંગામી ઉપાય ગણાવ્યો છે, જે સાવચેતીરૂપે જરૂરી છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ બધા સભ્ય દેશનો ચેતવતાં જણાવ્યું હતું કે ઓમિક્રોનનાં કેટલાંક ક્ષેત્રોમાં ગંભીર પરિણામ થઈ શકે છે અને એના આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાવવાની આશંકા છે. બ્રિટને કહ્યું હતું કે એ G-7ના આરોગ્યપ્રધાનોની ઇમર્જન્સી મીટિંગ બોલાવી રહ્યું છે. વળી, બ્રિટન ઓમિક્રોનના કેસોમાં વધારાને જોતાં રસીનો બુસ્ટર ડોઝના કાર્યક્રમને આગળ ધપાવવા માટે તૈયાર છે. બીજી બાજુ, સિંગાપોરના આરોગ્ય મંત્રાલયે કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમિરાતની સાથે રસીકરણને આધારે પ્રવાસની સુવિધાને હાલ ટાળવાનો નિર્ણય લીધો છે.

હાલ સ્કોટલેન્ડ, પોર્ટુગલ, ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, બોત્સવાના, બ્રિટન, કેનેડા, ડેન્માર્ક, જર્મની, હોંગકોંગ, ઇઝરાયલ, ઇટાલી, નેધરલેન્ડ્સ અને દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનના નવા કેસો નોંધાયા છે. આ સિવાય કેટલાક યુરોપિયન દેશોમાં પણ ઓમિક્રોનના કેસો નોંધાયા છે.