નુપૂર શર્મા કેસઃ સુપ્રીમ કોર્ટ સામે નારાજગી

નવી દિલ્હીઃ ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલાં રાષ્ટ્રીય પ્રવક્તા નુપૂર શર્મા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે કરેલા અનુમાનની ભૂતપૂર્વ ન્યાયાધીશો, સરકારી અમલદારો અને સશસ્ત્ર દળોના નિવૃત્ત અધિકારીઓના એક જૂથે નારાજગી વ્યક્ત કરી છે. દેશના ચીફ જસ્ટિસ એન.વી. રમનાને લખેલા એક ખુલ્લા પત્રમાં આ તમામે એવો આક્ષેપ કર્યો છે કે મોહમ્મદ પયગંબર વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરનાર નુપૂર શર્માની ઝાટકણી કાઢીને અને એમને આખા દેશની માફી માગવાનો આદેશ આપીને સુપ્રીમ કોર્ટે તેની લક્ષ્મણ રેખા ઓળંગી છે. કોર્ટ તેના ચુકાદામાં તાત્કાલિક સુધારા કરે એવી પણ આ જૂથના સભ્યોએ માગણી કરી છે.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે ગઈ 1 જુલાઈએ નુપૂર શર્માની આકરાં શબ્દોમાં ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે એમની ટિપ્પણીને કારણે જ દેશમાં આગ લાગી હતી. તેથી એમણે આખા દેશની માફી માગવી જોઈએ.