ચિત્રા રામકૃષ્ણના મુંબઈ નિવાસસ્થાને આવક વેરાના દરોડા

મુંબઈઃ ગયા સપ્તાહે સેબીએ બહાર પાડેલા આદેશને પગલે વિવાદમાં સપડાયેલાં એનએસઈના ભૂતપૂર્વ એમડી-સીઈઓ ચિત્રા રામકૃષ્ણ તથા ગ્રુપ ઓપરેટિંગ ઑફિસર આનંદ સુબ્રમણ્યનને ત્યાં આવક વેરા ખાતાએ ગુરુવારે દરોડા પાડ્યા હતા. આ બન્નેએ કરચોરી કરી હોવાની આશંકા હોવાથી આ શોધખોળ કરવામાં આવી હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

આવક વેરા ખાતાની મુંબઈ ઇન્વેસ્ટિગેશન ટીમના અધિકારીઓએ વહેલી સવારે દરોડા પાડ્યા હતા. આનંદ સુબ્રમણ્યનને ત્યાં ચેન્નઈમાં ઝડતી લેવામાં આવી હતી.

ચિત્રા રામકૃષ્ણ એનએસઈમાં હોદ્દા પર હતાં એ સમયગાળામાં એમણે કોઈ યોગીના ઈશારે એક્સચેન્જનો કારભાર સંભાળ્યો હતો એવું સેબીના એક આદેશમાં તાજેતરમાં બહાર આવ્યું ત્યારથી તેઓ ચર્ચાનો મુદ્દો બન્યાં છે. તેમણે આનંદ સુબ્રમણ્યનની નિમણૂકથી લઈને બઢતી અને એમને સોંપવામાં આવેલી જવાબદારીઓ બાબતે યોગીની સૂચનાઓનું પાલન કર્યું હતું, એમ સેબીના આદેશમાં કહેવામાં આવ્યું છે.

એનએસઈમાં કૉર્પોરેટ ગવર્નન્સની બાબતે ત્રુટિઓ રહી હોવાનું સેબીએ રામકૃષ્ણ તથા અન્યોની વિરુદ્ધ બહાર પાડેલા આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે.

સિક્યૉરિટીઝ માર્કેટની આ નિયમનકાર સંસ્થાએ રામકૃષ્ણને ૩ કરોડ, સુબ્રમણ્યન, એનએસઈ (નૅશનલ સ્ટૉક એક્સચેન્જ) અને એનએસઈના અન્ય ભૂતપૂર્વ એમડી-સીઈઓ રવિ નારાયણનને ૨-૨ કરોડ તથા એક્સચેન્જના તત્કાલીન અનુપાલન અધિકારી વી. આર. નરસિંહનને ૬ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

ઉક્ત આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રામકૃષ્ણે એનએસઈના ફાઇનાન્શિયલ તથા બિઝનેસ પ્લાન, ડિવિડંડની માહિતી તથા નાણાકીય પરિણામોની અનેક ગોપનીય માહિતી કથિત યોગીને પહોંચાડી હતી અને એક્સચેન્જના કર્મચારીઓના પરફોર્મન્સ અપ્રેઇઝલ બાબતે એમની સલાહ લીધી હતી.

ચિત્રા રામકૃષ્ણ એપ્રિલ ૨૦૧૩થી ડિસેમ્બર ૨૦૧૬ સુધી એનએસઈના એમડી-સીઈઓ હતાં. તેમણે સેબીને યોગીની ઓળખ આપવાનો ઇનકાર કરતાં માત્ર એટલું જ કહ્યું છે કે એ કોઈ આધ્યાત્મિક શક્તિ છે.