જયપુરઃ રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવતી જાય છે, તેમ-તેમ રાજકીય ગરમાવો આવતો જાય છે. રાજસ્થાનના ભૂતપૂર્વ CM સચિન પાઇલટે તો મુખ્ય પ્રધાન અશોક ગહેલોત સામે બાંયો ચઢાવી જ છે, પણ હવે રાજપૂત સંગઠને પણ મુખ્ય પ્રધાનને ચેતવણી ઉચ્ચારી છે.
રાજસ્થાનમાં ગૂર્જર સમાજ સચિન પાઇલટ સાથે જોડાયેલો છે, પરંતુ રાજપૂત સમાજના પ્રતાપ ફાઉન્ડેશને એક નિવેદન જારી કરીને ગહેલોત પર આરોપ લગાવ્યો હતો કે તેઓ આગળ વધતા રાજપૂત નેતાને નિશાન બનાવી રહ્યા છે. વાસ્તવમાં આ મામલો કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત અને મુખ્ય પ્રધાન ગહેલોતની વચ્ચે ચાલી રહેલો સંજીવની મામલાથી જોડાયેલો છે. ગજેન્દ્ર શેખાવત રાજપૂત છે. રાજપૂત સમાજનું પ્રતિનિધિત્વ કરનારા પ્રતાપ ફાઉન્ડેશને મુખ્ય પ્રધાન સામે બાંયો ચઢાવી છે. ગહેલોતે શેખાવત પર સંજીવની ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી કૌભાંડમાં તેમની મિલીભગતને લઈને સતત હુમલા કરી રહ્યા છે. જોકે કેન્દ્રીય મંત્રી આ આરોપોથી ઇનકાર કરી રહ્યા છે.
રાજસ્થાનમાં ટોચના રાજપૂત સંગઠન પ્રતાપ ફાઉન્ડેશને ગહેલોતને ત્રણ પાનાંનો એક પત્ર મોકલ્યો છે, જેમાં તેમણે ગહેલોતની ટિપ્પણીઓને લઈને CMની ટીકા કરી છે.