મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે મુંબઈ હાઈકોર્ટમાં રજૂઆત કરી છે કે મુંબઈમાં ધારાવી ઝૂંપડપટ્ટી પુનર્વિકાસ યોજના માટે વર્ષ 2022માં ઈસ્યૂ કરાયેલા નવા ટેન્ડરમાં પારદર્શકતા જાળવવામાં આવી છે અને સૌથી ઊંચી બોલી લગાવનાર અદાણી ગ્રુપને આ પ્રોજેક્ટની ફાળવણી કરવામાં કોઈ તરફદારી કરવામાં આવી નથી.
અદાણી ગ્રુપની અદાણી પ્રોપર્ટીઝ પ્રાઈવેટ લિમિટેડ કંપનીને ધારાવી ઝૂંપડપટ્ટી રીડેવલપમેન્ટનો કોન્ટ્રાક્ટ ફાળવવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને યૂએઈ સ્થિત કંપની સેકલિન્ક ટેક્નોલોજીસ કોર્પોરેશને મુંબઈ હાઈકોર્ટમાં પડકાર્યો છે. તેના સંદર્ભમાં મહારાષ્ટ્ર સરકારના નાયબ સચિવે કોર્ટને સુપરત કરેલા સોગંદનામામાં ઉપર મુજબની રજૂઆત કરી છે. સરકારે કહ્યું છે કે અરજદાર સેકલિન્ક કંપનીએ આધારવિહોણા અને લાપરવાહીભર્યા આક્ષેપો કર્યા છે કે પ્રતિવાદી (સરકાર)નો નિર્ણય રાજકીય ઈરાદા પ્રેરિત છે. આવા લાપરવાહીભર્યા આક્ષેપ કરવા બદલ ફરિયાદી પક્ષની પીટિશનને રદબાતલ કરવી જોઈએ અને કેસ પાછળ થયેલો ખર્ચ તેની પાસેથી વસૂલ કરવો જોઈએ.
હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ ડી.કે. ઉપાધ્યાય અને ન્યાયમૂર્તિ આરીફ ડોક્ટરની વિભાગીય બેન્ચ આજે આ કેસમાં સુનાવણી કરશે.