નવી દિલ્હીઃ ચીનમાં ન્યૂમોનિયા બીમારીને કારણે અનેક બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. બાળદર્દીઓની સંખ્યા વધી રહી છે એવા અહેવાલો વચ્ચે ભારતે ખુલાસો કર્યો છે કે દેશમાં આ વર્ષના જાન્યુઆરીથી લઈને અત્યાર સુધીમાં 611 નમૂનાની તબીબી ચકાસણી કરવામાં આવી છે અને દેશમાં માઈકોપ્લાઝમા ન્યૂમોનિયા બીમારીનો એકેય કેસ નથી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે 611 નમૂનાઓનું વિશ્લેષણ નવી દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (એમ્સ)ના માઈક્રોબાયોલોજી વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. એકેય નમૂનામાં માઈકોપ્લાઝમા ન્યૂમોનિયા હોવાનું માલૂમ પડ્યું નથી. આ ટેસ્ટિંગ દેશની સર્વોચ્ચ મેડિકલ રિસર્ચ સંસ્થા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના નિરીક્ષણ હેઠળ રિયલ-ટાઈમ PCR ટેસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. M.ન્યૂમોનિયા ગંભીર તીવ્ર શ્વસન રોગ છે. આરોગ્ય મંત્રાલયે આ ખુલાસો એક અખબારી અહેવાલને પગલે કર્યો છે. તે અહેવાલમાં એવું જણાવવામાં આવ્યું હતું કે એમ્સ-દિલ્હીમાં એપ્રિલ-સપ્ટેમ્બર 2023 વચ્ચે સાત કેસ એવા હતા જે ચીનમાં ફેલાયેલા ન્યૂમોનિયાના રોગ સાથે સંકળાયેલા હતા. આજના ખુલાસામાં વધુમાં જણાવાયું છે કે એ સાત કેસને ચીન સહિત દુનિયાના કેટલાક ભાગોમાં ફેલાયેલી ચેપી બીમારી સાથે કોઈ સંબંધ નથી. ચિંતા કરવાનું કોઈ કારણ નથી.