નવી દિલ્હી – કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે નવી શિક્ષણ નીતિ ઘડવા અંગે મુસદ્દો ઘડવાનો કોઈ નિર્ણય લેવાયો નથી અને દેશના રાજ્યોમાં કોઈ પણ ભાષા લાદવાનો સરકારનો કોઈ ઈરાદો નથી.
કેન્દ્ર સરકારે આ જવાબ તામિલનાડુના વિરોધ પક્ષોએ વાંધો ઉઠાવ્યા બાદ આપ્યો છે. મુસદ્દા શિક્ષણ નીતિમાં એવું જણાવાયું છે કે તામિલનાડુની શાળાઓમાં ત્રણ-ભાષાની ફોર્મ્યુલા લાગુ કરવી જોઈએ – એવા અહેવાલોને પગલે તામિલનાડુમાં વિરોધપક્ષો ભડકી ગયા છે.
કેન્દ્રના માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે મુસદ્દા શિક્ષણ નીતિ અંગે સરકારે કોઈ નિર્ણય લીધો નથી. નવી શિક્ષણ નીતિ અંગે રચાયેલી સમિતિએ તેનો અહેવાલ સરકારને સુપરત કર્યો છે. સરકારે એ વિશે હજી કોઈ નિર્ણય લીધો નથી.
જાવડેકર એનડીએની ગત્ સરકારમાં માનવ સંસાધન વિકાસ પ્રધાન હતા. એમણે કહ્યું છે કે ભારતની તમામ ભાષાઓને મહત્ત્વ આપવામાં આવશે. મોદી સરકારે કાયમ તમામ ભારતીય ભાષાઓને મહત્ત્વ આપ્યું છે. તેથી કોઈની પર કોઈ ભાષા લાદવાનો સવાલ કે ઈરાદો ઊભો થતો નથી. સરકારની આ પ્રકારની નીતિ છે એ મુદ્દે કોઈ પ્રકારની ગેરસમજ હોવી ન જોઈએ. સમિતિએ મુસદ્દો તૈયાર કર્યો છે અને જનતાના સૂચનો મેળવ્યા બાદ જ સરકાર નિર્ણય લેશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બીજી મુદતની સરકારમાં માનવ સંસાધન વિકાસ પ્રધાન તરીકે રમેશ પોખરિયાલ ‘નિશાંક’ને બનાવવામાં આવ્યા છે.
કે. કસ્તુરીરંગનની આગેવાની હેઠળની સમિતિએ કેન્દ્ર સરકારને તેનો અહેવાલ સુપરત કર્યો છે.
ચેન્નાઈમાં, ડીએમકે પાર્ટીનાં લોકસભા સદસ્ય કનીમોળીએ કહ્યું છે કે જો કેન્દ્ર સરકાર તામિલનાડુ પર હિન્દી ભાષા લાદવાનો કોઈ પ્રયાસ કરશે તો એમની પાર્ટી આંદોલન કરશે.
અભિનેતામાંથી નેતા બનેલા કમલ હાસને કહ્યું છે કે કોઈ પણ ભાષાને લાદવી ન જોઈએ અને જે લોકોને જે કોઈ ભાષા શીખવામાં રસ હોય એને તે શીખવા દેવી જોઈએ.
કસ્તુરીરંગન સમિતિએ તેના 500-પાનાનાં અહેવાલમાં એવી ભલામણ કરી છે કે બિન-હિન્દીભાષી રાજ્યોની શાળાઓમાં હિન્દી અને અંગ્રેજી તથા એક પ્રાદેશિક ભાષા શીખડાવવી જોઈએ. હિન્દીભાષી રાજ્યો માટે સમિતિએ એવી ભલામણ કરી છે કે હિન્દી અને અંગ્રેજી ઉપરાંત ત્યાં દેશના અન્ય કોઈ પણ ભાગની કોઈ પણ આધુનિક ભારતીય ભાષા શીખડાવવી જોઈએ.
જોકે સમિતિએ આધુનિક ભારતીય ભાષા કઈ તે વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી. તામિલને કેન્દ્ર સરકારે પ્રાચીન ભાષાનો દરજ્જો આપ્યો છે.
નવા માનવ સંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખરિયાલ ‘નિશાંક’એ પણ કહ્યું છે કે કોઈ પણ રાજ્યની ઉપર કોઈ પણ ભાષા લાદવામાં નહીં આવે. નવી શિક્ષણ નીતિ ઘડવા માટે સમિતિની રચના કરવામાં આવી હતી. એ સમિતિએ તેનો અહેવાલ સરકારને સુપરત કર્યો છે. આ કંઈ નીતિ નથી.