બંગાળમાં ઘૂસણખોરોના બૂરે દિન શરુ? શાહથી ચેતીને ચાલશે મમતા…

નવી દિલ્હી- લોકસભાની ચૂંટણીમાં ભાજપને સૌથી આશ્ચર્યજનક પરિણામો પશ્ચિમ બંગાળમાંથી મળ્યાં છે. અહીં પક્ષને કુલ 42 સીટોમાંથી 18માં જીત મળી છે. મહત્વનું છે કે, ભાજપે તેના ચૂંટણી પ્રચારમાં અહીં ગેરકાયદે રહેતાં ઘૂસણખોરોનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો હતો.  ખાસ કરીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે તો મમતા બેનર્જી પર ઘૂસણખોરોને સંરક્ષણ આપવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે, ફરીથી મોદી સરકાર સત્તા પર આવશે તો ઘૂસણખોરોને શોધી શોધીને બંગાળની બહાર કરી દેવામાં આવશે.

હવે જ્યારે અમિત શાહને મોદી સરકારમાં ગૃહ મંત્રાલયની કમાન સોંપવામાં આવી છે ત્યારે શું બંગાળમાં ઘૂસણખોરોના બૂરે દિન શરુ થઈ જશે? ઘૂસણખોરોને બહાર કરવા માટે ભાજપ બંગાળમાં રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટ્રેશન (NRC) લાગુ કરવાની વાત અવારનવાર કરતું આવ્યું છે. જોકે, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી એનઆરસીને જોરશોરથી વિરોધ કરતી આવી છે.

ચૂંટણી પ્રચારમાં ઘૂસણખોરોને બંગાળની બહાર કરવાનું આપ્યું હતું વચન

નરેન્દ્ર મોદી અને અમિત શાહે મળીને એનઆરસી મારફતે ઘૂસણખોરોને ભારતથી બહાર કરવાની હુંકાર ભરતા રહ્યાં છે. બંગાળના સિલીગુડીમાં એક સભાને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ પાડોશી દેશોના શરણાર્થીઓને ન્યાય અપાવવાનો ભરોસો આપતા કહ્યું હતું કે, ઉત્તર બંગાળમાં ગોરખા સમુદાયને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (એનઆરસી)થી નુકસાન નહીં થાય પરંતુ ઘૂસણખોરોને કોઈ કિંમત પર નહીં છોડવામાં આવે.

પીએમ મોદી પહેલા અમિત શાહે અલીદ્વારપુરની એક સભામાં કહ્યું હતુ કે, જો કેન્દ્રમાં ભાજપ ફરી વખત સત્તા પર આવી તો મોદી સરકાર બંગાળમાં એનઆરસી અમલી કરશે અને તમામ ઘૂસણખોરોને રાજ્યની બહાર કરી દેવામાં આવશે. મમતા બેનર્જી પર પ્રહારો કરતા કહ્યું હતું કે, મમતા બેનર્જી વિચારે છે કે, તેમને ઘૂસણખોરોથી ફાયદો થશે. મોદી સરકાર સત્તા પર આવશે તો અમે બંગાળમાં એનઆરસી લાગુ કરશું.

સાથે શાહ એમ પણ કહેતા રહ્યાં છે કે, હિંદૂ અને બૌદ્ધ શરણાર્થીઓને દેશ છોડવાની જરૂર નથી. તમને જણાવી દઈએ કે, અસમમાં એનઆરસી લાગુ થઈ ગયું છે. 30 જૂલાઈ 2018ના રોજ એનઆરસી લાગુ કરવામાં આવ્યું હતું જેમાં કુલ 3.30 કરોડની જનસંખ્યામાંથી 2,89,83,677 લોકોની નાગરિકતા રજિસ્ટરમાં સામેલ કરવામા આવી હતી.

એનઆરસી મુદ્દે મમતા બેનર્જીનું કહેવું છે કે, એનઆરસી મારફતે ભાજપ બંગાળમાં હિંદૂ અને મુસ્લિમો વચ્ચે મતભેદ અને નફરત પેદા કરવાના પ્રયત્નો કરી રહ્યું છે, પરંતુ તેઓ સફળ નહીં થાય. જોકે હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. હવે દેશના ગૃહપ્રધાનની જવાબદારી સંભળ્યા બાદ અમિત શાહ આ દિશામાં કેવા પગલા ભરે છે તે જોવું દિલચસ્પ હશે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]