નવી દિલ્હીઃ કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર તોમરે આજે લોકસભામાં જણાવ્યું હતું કે ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાને રદ કરાવવાની માગણી કરવા એક વર્ષથી ચાલતા આંદોલન દરમિયાન ખેડૂતોના થયેલા મરણ વિશે સરકાર પાસે કોઈ રેકોર્ડ નથી એટલે કોઈને પણ આર્થિક મદદ પૂરી પાડવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી.
વર્ષ-લાંબા આંદોલન દરમિયાન જે ખેડૂતોએ જીવ ગુમાવ્યો છે એમના પરિવારજનોને કેન્દ્ર સરકાર નાણાકીય સહાય મંજૂર કરશે કે નહીં? એવા વિરોધપક્ષના એક સવાલના આપેલા લેખિત ઉત્તરમાં તોમરે કહ્યું કે આંદોલન દરમિયાન ખેડૂતોના મૃત્યુ થવા વિશે કૃષિ મંત્રાલય પાસે કોઈ રેકોર્ડ નથી. તેથી સહાય આપવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી.