નવી દિલ્હી- કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવનારી તેલુગુ દેશમ પાર્ટીમાં (TDP) હવે ‘સબ સલામત’ નથી જણાઈ રહ્યું. સરકાર વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્તના મતદાનના એક દિવસ અગાઉ TDP ના એક સાંસદે પાર્ટી લાઈનથી અલગ જઈને બળવો કરવાના અણસાર આપ્યા છે.મળતી માહિતી મુજબ ટીડીપીના સાંસદ જે.સી. દિવાકર રેડ્ડીએ અવિશ્વાસની દરખાસ્ત પર યોજાનારી ચર્ચા અને મતદાનથી પોતે દૂર રહેવાની જાહેરાત કરી છે. પોતાની પાર્ટીના સાંસદના આ પ્રકારના વલણ પર આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન અને ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુએ તેમના તમામ સાંસદોને પત્ર લખ્યો છે.
પોતાના સાંસદોને લખેલા પત્રમાં ચંદ્રાબાબુ નાયડુએ બધા સંસદસભ્યોને અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન સંસદમાં હાજર રહેવા અને સરકાર વિરુદ્ધ મતદાન કરવા જણાવ્યું છે. વધુમાં ચંદ્રાબાબુ નાયડુએ અન્ય સંસદસભ્યોને પણ અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા દરમિયાન ચર્ચામાં ભાગ લેવાની અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યના દરજ્જાની માગણીને લઈને તેલુગુ દેશમ પાર્ટી (TDP) કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની દરખાસ્ત લાવી રહી છે.