નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગ રેપ અને મર્ડર કેસ મામલે ચારેય દોષિતો પૈકી કોઈએ પણ હજી સુધી પોતાની અંતિમ ઈચ્છા જણાવી નથી. ચારેય દોષિતોને 20 માર્ચના રોજ ફાંસી થવાની છે. પ્રાપ્ત વિગતો અનુસાર તિહાડ જેલ દોષિતોને ફાંસી આપવા માટે તૈયાર છે.
આજે સાંજે પવન જલ્લાદ તિહાડ જેલ પહોંચશે. જલ્લાદના આવ્યા બાદ એકવાર ફરીથી 4 ડમી ફાંસી આપવામાં આવશે. 18 અથવા 19 માર્ચના રોજ તમામ દોષિતોની મેડિકલ તપાસ કરાવવામાં આવશે. દોષિતોને તેમની અંતિમ ઈચ્છા એટલે કે સંપત્તિ કોઈના નામે કરવી છે વગેરે મામલે પૂછવામાં આવ્યું છે. પરંતુ હજી સુધી કોઈએ કંઈજ જણાવ્યું નથી.
અક્ષયને છોડીને બાકી તમામ દોષિતોની પોતાના ઘરના લોકો સાથે મુલાકાત કરાવવામાં આવી છે. તમામ દોષિતોને જેલ નંબર 3 ના કન્ડમ સેલમાં અલગ-અલગ રાખવામાં આવ્યા છે. તમામ દોષિતો પર 24 કલાક નજર રાખવામાં આવી રહી છે. તેમના વ્યવહારનું અધ્યયન કરવામાં આવી રહ્યું છે.
બીજી તરફ ચાર દોષિતો પૈકી ત્રણ લોકોએ આંતરરાષ્ટ્રીય કોર્ટનો દરવાજો ખખડાવીને ફાંસીની સજા રોકવા વિનંતી કરી છે અને આરોપ લગાવવામાં આવ્યો છે કે દોષપૂર્ણ તપાસ દ્વારા તેમને દોષિત ગણવામાં આવ્યા છે અને તેમને પ્રયોગનું માધ્યમ બનાવવામાં આવ્યા છે. દોષિતના વકીલ એ.પી.સિંહના માધ્યમથી દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે ચારેય દોષિતો વિનય શર્મા, પવન કુમાર ગુપ્તા, અક્ષય સિંહ અને મુકેશ સિંહે અત્યાર સુધી પોતાના તમામ કાયદાકીય ઉપચારોનો ઉપયોગ કર્યો નથી.