નવી દિલ્હી – સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ના નવા ડાયરેક્ટરની નિમણૂકની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ત્રણ-સભ્યોની પસંદગી સમિતિ 24 જાન્યુઆરીએ નવા સીબીઆઈ ડાયરેક્ટરની પસંદગી કરશે. તે બેઠક મોદીના સત્તાવાર નિવાસસ્થાને યોજાશે જેમાં વડા પ્રધાન ઉપરાંત દેશના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અને કોંગ્રેસના સિનિયર નેતા મલ્લિકાર્જુન ખડગે હાજરી આપશે.
સીબીઆઈના નવા ડાયરેક્ટર તરીકે હાલ અનેક અધિકારીઓના નામ ચર્ચામાં છે. ઘણા અધિકારીઓ એ માટે પાત્ર બન્યા છે. આમાં 1982થી 1985ના વર્ષો વચ્ચે 4 બેચના 17 અધિકારીઓ દાવેદાર બન્યા છે. એમાંથી ડાયરેક્ટોરેટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ દ્વારા 6 નામ પસંદ કર્યા છે.
જોકે આ છમાંથી ચાર અધિકારીના નામ જ મોદીની આગેવાની હેઠળની પસંદગી સમિતિને મોકલવામાં આવશે.
સીબીઆઈના વિવાદાસ્પદ સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાની સીબીઆઈમાંથી હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. એમને બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટીમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. આ એજન્સી એરપોર્ટ અને ફ્લાઈટ સિક્યુરિટીની દેખભાળ કરે છે.
સીબીઆઈના નવા ડાયરેક્ટર બનવાની રેસમાં યોગેશ ચંદર મોદી (વાય.સી. મોદી)નું નામ મોખરે હોવાનું સૂત્રોનું કહેવું છે. તેઓ હાલ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ના વડા છે. તેઓ 1984ના બેચનાન આસામ-મેઘાલય કેડરના ઓફિસર છે.
વાય.સી. મોદીને કુલ 33 વર્ષનો અનુભવ છે અને સીબીઆઈ એજન્સીમાં તેઓ 10 વર્ષ કામ કરી ચૂક્યા છે.
2002-2010 અને 2015-2017 દરમિયાન બે મુદતમાં વાય.સી. મોદીએ સ્પેશિયલ ક્રાઈમ અને આર્થિક ગુનાઓ તેમજ ભ્રષ્ટાચાર-વિરોધી કેસો સંભાળ્યા હતા.
સીબીઆઈમાં દાયકા લાંબી સેવાના અનુભવને કારણે એજન્સીના નવા વડા બનવા માટે વાય.સી. મોદી ફેવરિટ ગણાય છે.