24 કલાકમાં 100 કરોડ જમા કરાવો નહીં તો…આ છે અવગણનાનો દંડ

નવી દિલ્હી- નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ(એનજીટી) દ્વારા ફોક્સવેગનને 24 કલાકમાં 100 કરોડ રૂપિયા જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. જર્મનીની કાર બનાવતી કંપની ફોક્સવેગનને એનજીટી દ્વારા 16 નવેમ્બરે 100 કરોડ રૂપિયા જમા કરવાનો આદેશ આપવામા આવ્યો હતો જો કે, કંપનીએ આ રકમ જમા કરાવી ન હતી. હવે કંપનીએ શુક્રવાર સાંજે 5 વાગ્યા સુધીમાં આ રકમ જમા કરાવવી પડશે. ટ્રિબ્યૂનલે કહ્યું કે, આ વખતે જો આદેશની અવગણના થઈ તો, કંપની સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.

એનજીટીના વડા આદર્શ કુમાર ગોયલના વડપણ હેઠળની બેન્ચે ગુરુવારે ઓટોમોબાઇલ ક્ષેત્રની કંપની ફોક્સવેગનને આદેશ આપ્યો હતો કે, તેઓ શુક્રવારના સાંજે 5 વાગ્યા સુધીમાં 100 કરોડ જમા કરાવે.

બેન્ચે કંપનીને ફટકાર લગાવતા જણાવ્યું હતું કે, હવે વધુ સમય આપી શકીએ તેમ નથી. બેન્ચે વધુમાં જણાવ્યું હતું કે, જો કંપની આ રકમ નિર્ધારીત સમયમાં જમા નહી કરાવે તો કંપની સામે દંડાત્મક કાર્યવાહી કરાશે, જેમાં કંપનીના દેશના એમડીની ધરપકડ કરવામાં આવશે તેમ જ દેશમાં કંપનીની તમામ સંપત્તિ જપ્ત કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, ગત વર્ષે 16 નવેમ્બરે ટ્રિબ્યુનલે કહ્યું હતું કે, ફોક્સવેગને ભારતમાં ડીઝલ કારોમાં ‘ચીટ ઉપકરણો’નો ઉપયોગ કર્યો છે. જેના કારણે પર્યાવરણને નુકસાન પહોંચ્યું છે. વધુ પ્રદૂષણ  ફેલાવવાના દંડ પેટે કંપનીને 100 કરોડ રૂપિયા કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડને જમા કરવાનો આદેશ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા એનજીટીની ચાર સભ્યોની કમિટીએ ફોક્સવેગન પર 171.34 કરોડ રૂપિયાનો દંડ ફટકારવાનું સૂચન કર્યું હતું. કંપની પર આ દંડ મોટા પ્રમાણમાં નાઈટ્રોજન ઓક્સાઈડના ઉત્સર્જનને કારણે દિલ્હીમાં વાયુ પ્રદુષણને ઉપરાંત સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવા મામલે લગાવવામાં આવ્યો હતો. કમિટીએ તેમના રિપોર્ટમાં અનુમાન લગાવ્યું કે, ફોક્સવેગનની કારને કારણે રાજધાની દિલ્હીમાં વર્ષ 2016માં લગભગ 48.68 ટન નોઈટ્રોજન ઓક્સાઈડનું ઉત્સર્જન કર્યું હતું.