નવી દિલ્હીઃ નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) સંસ્થાએ દિલ્હી-વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે પર હાલમાં જ શરૂ કરાયેલા એક ભાગ પર ધીમી ગતિએ ચાલતા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ એક્સપ્રેસવે પર અત્યંત ઝડપવાળા વાહનોની અવરજવર રહેતી હોવાને કારણે ધીમી ગતિએ ચાલતા વાહનોની સલામતીને ખાતર આ નિર્ણય લેવામાં આવ્યો છે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના હાલમાં જ ખુલ્લા મૂકાયેલા ફેઝ-1માં મોટરસાઈકલ, સ્કૂટર્સ સહિતના ટૂ-વ્હીલર્સ, થ્રી-વ્હીલર્સ, બિન-મોટરવાળા વાહનો અને ટ્રેક્ટરો (કૃષિ ટ્રેક્ટરો અથવા ટ્રેલર વિનાના ટ્રેક્ટરો)ને પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ એક્સપ્રેસવેને હાઈ-સ્પીડ કોરિડોર તરીકે ડેવલપ કરવામાં આવ્યો છે અને તેની પર મોટરવાહનો માટે મહત્તમ સ્પીડ લિમિટ નિશ્ચિત કરવામાં આવી છે – પ્રતિ કલાક 80 થી 120 કિલોમીટરની વચ્ચે.
કુલ 1,386 કિલોમીટર લાંબા આ એક્સપ્રેસવે પર હાલમાં 240 કિ.મી.ના દિલ્હી-દૌસા-લાલસોત (રાજસ્થાન) સેક્શનનો આરંભ કરવામાં આવ્યો હતો. આ એક્સપ્રેસવે બની જશે ત્યારે એ દેશનો સૌથી લાંબા અંતરનો એક્સપ્રેસવે બનશે. આ એક્સપ્રેસવે બંધાઈ ગયા પછી મુંબઈ અને દિલ્હી વચ્ચે માર્ગ-પ્રવાસ 12 કલાક ઘટી જશે. અત્યારે રોડ માર્ગે મુંબઈથી દિલ્હી પહોંચતા 24 કલાક લાગે છે, પણ પછી 12 કલાકમાં પહોંચી શકાશે. આ એક્સપ્રેસવે છ રાજ્યોમાંથી પસાર થશે – મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી. આ મહામાર્ગ મુંબઈ, સુરત, વડોદરા, ભોપાલ, જયપુર, ઈન્દોર, કોટા, દિલ્હી જેવા મોટા શહેરોને કનેક્ટ કરશે.