ગણતંત્ર દિવસ પર બાળકોને વીરતા પુરસ્કાર આપનાર NGO પર ભ્રષ્ટાચારનો આરોપ

નવી દિલ્હી- ગણતંત્ર દિવસના થોડા દિવસ પહેલાં દેશના પસંદગીના બાળકોને તેમના વીરતાપૂર્ણ કાર્યો માટે રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર માટે પસંદ કરવામાં આવે છે. વર્ષ 1957 થી દેશના વીર બાળકો માટે એક એનજીઓ આ પુરસ્કારોનું આયોજન કરે છે. ત્યારે એક તપાસમાં આ એનજીઓ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લાગ્યાં છે. પ્રાપ્ત વિગતો અનુસાર રાષ્ટ્રીય વીરતા પુરસ્કારોનું આયોજન કરનારા એનજીઓ ઈન્ડિયન કાઉન્સિલ ફોર ચાઈલ્ડ વેલફેર પર રાષ્ટ્રીય ક્રેચ યોજનામાં નાણાંકીય અનિયમિતતીના ગંભીર આરોપો લાગ્યા છે. ત્યારબાદ સરકારે આ એનજીઓ સાથેનો સંબંધ તોડી નાંખ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે સરકાર આ એનજીઓને ગણતંત્ર દિવસની પરેડથી પણ બહાર રાખવાનો નિર્ણય કરી શકે છે.

તો મહિલા અને બાળ વિકાસ કલ્યાણ મંત્રાલયે આરોપી એનજીઓ વિરુદ્ધ ગુરુવારના રોજ એક એફઆઈઆર પણ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે ICCW પર જ 31 ડિસેમ્બર 2016 સુધી રાજીવ ગાંધી રાષ્ટ્રીય ક્રેચ યોજનાના ક્રિયાન્વનની જવાબદારી હતી. વર્ષ 2015માં દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરીને એનજીઓ પર કથિત નાણાકિય અનિયમિતતાનો આરોપ લાગ્યો હતો. આ અરજી બાદ હાઈકોર્ટે મંત્રાલયના અધિકારીઓની ત્રણ સદસ્યીય કમીટી બનાવીને એનજીઓમાં કથિત ભ્રષ્ટાચારની તપાસના આદેશ આપ્યા છે. તપાસ બાદ કમીટીએ પોતાનો રિપોર્ટ હાઈકોર્ટમાં જમા કરાવ્યો. ત્યારબાદ હાઈકોર્ટે સરકારને જણાવ્યું કે જો સરકાર જરુરી સમજે તો તે પણ આ મામલાની તપાસ કરાવી શકે છે.

કોર્ટના નિર્દેશ પર મહિલા અને બાળ વિકાસ કલ્યાણ મંત્રાલયે એક અંતરિમ કમીટી બનાવીને એનજીઓ ICCW માં કથિત ભ્રષ્ટાચારની તપાસ શરુ કરી દીધી છે. અત્યારે આ તપાસ કમીટીનો રિપોર્ટ પણ હાઈકોર્ટમાં જમા કરી દેવામાં આવ્યો છે. મંત્રાલયની અંતરિમ કમીટી દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે. કે ICCW દ્વારા રાષ્ટ્રીય ક્રેચ યોજના અંતર્ગત વર્ષ 2014-15 માં 84 લાખ રુપિયા અને વર્ષ 2015-16 માં 2.19 કરોડ રુપિયાનું બેલેન્સ રાજ્ય પરિષદોને પાછુ આપવામાં ન આવ્યું.

તો બીજી બાજુ એનજીઓના અધ્યક્ષ ગીતા સિદ્ધાર્થનું કહેવું છે કે એનજીઓ દ્વારા કોઈપણ પ્રકારની રાષ્ટ્રીય અનિયમિતતા નથી કરવામાં આવી અને અત્યારે આ મામલો કોર્ટમાં છે. ICCW એ ગત 68 વર્ષમાં પોતાની કામ કરવાની પદ્ધતીમાં ઉચ્ચ માનક બનાવીને રાખ્યા છે. આપને જણાવી દઈએ કે સરકારે આ વર્ષે 26 બાળકોને રાષ્ટ્રીય પુરસ્કાર પ્રદાન કરવામાં આવશે જેમાંથી 3 બાળકોને વીરતા પુરસ્કાર આપવામાં આવશે. આ પુરસ્કાર 22 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા વિજેતા બાળકોને પ્રદાન કરવામાં આવશે.