સેલરી, EMIની ચુકવણી માટે નવા નિયમો એક-ઓગસ્ટથીઃ RBI

નવી દિલ્હીઃ સેલરી, પેન્શન અને EMI જેવા જરૂરી વ્યવહાર માટે હવે તમારે કામકાજના દિવસોની રાહ નહીં જોવી પડે. રિઝર્વ બેન્કે નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (NACH)ના નિયમોમાં ફેરફાર કર્યો છે. આ બદલાવ એક ઓગસ્ટથી લાગુ થશે. હવે તમારે તમારી સેલરી માટે અથવા પેન્શન માટે શનિવારે, રવિવારની રાહ નહીં જોવી પડે. આ સેવાઓ તમને હવે સપ્તાહના સાતે દિવસ મળી શકશે.

કેટલીક વાર એવું થાય છે કે મહિનાની પહેલી તારીખ વીકએન્ડ પર આવે છે, જેને કારણે પગારદાર વર્ગને પગાર એકાઉન્ટમાં ક્રેડિટ થવા માટે સોમવાર સુધી રાહ જોવી પડે છે.  રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જૂન મહિનાની ક્રેડિટ પોલિસીની સમીક્ષા દરમ્યાન એલાન કર્યું હતું કે ગ્રાહકોની સુવિધાને વધારવા  અને 24X 7 મોજૂદ રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS)નો લાભ લેવા માટે NACH બે હજી બેન્કોમાં કામકાજના દિવસોમાં ઉપલબ્ધ છે. આ સપ્તાહે બધા દિવસોને લાગુ કરવા માટે પ્રસ્તાવ આપવામાં આવ્યો છે, જે એક ઓગસ્ટ, 2021એ અમલમાં આવશે. 

NACH એક બલ્ક પેમેન્ટ સિસ્ટમ છે, જેનું નેશનલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) સંચાલન કરે છે. જે કેટલાય પ્રકારના ક્રેડિટ ટ્રાન્સફર જેમ કે ડિવિડન્ડ, ઇન્ટરેસ્ટ, સેલરી અને પેન્શનની સુવિધા આપે છે. આ સિવાય ઇલેક્ટ્રિસિટી બિલનું પેમેન્ટ, ગેસ, ટેલિફોન, પાણી, લોનની EMI, મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ અને વીમા પ્રીમિયમની ચુકવણી પણ સુવિધા આપે છે. જેથી હવે આ બધી સુવિધાઓ માટે વીકએન્ડની રાહ નહીં જોવી પડે.