મહારાષ્ટ્રના રાયગડ જિલ્લામાં મેઘતાંડવ-ભૂસ્ખલને 44નો ભોગ લીધો

મુંબઈઃ મહારાષ્ટ્રના રાયગડ જિલ્લામાં ભારે વરસાદને પગલે સમુદ્રકાંઠાના મહાડ તાલુકાના બે ગામ તળઈ અને સાખર સુતારવાડીમાં ભેખડો ધસી પડવાને કારણે 44 જણ માર્યા ગયા છે.

આ 44 મૃતકોમાં એકલા તળઈ ગામમાં 36 જણ માર્યા ગયા છે. બંને ગામમાં ભૂસ્ખલન દુર્ઘટનામાં હજી કેટલાક લોકો ફસાઈ ગયા હોવાનો અહેવાલ છે. એમને બચાવવાની કામગીરી ચાલુ છે. એક અન્ય ગામમાં પણ ભેખડ ધસી પડવાની ઘટના બની છે. પૂરને કારણે તાલુકામાં અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અને રસ્તાઓ જમીનમાં ધસી પડ્યા છે. એને કારણે દુર્ઘટનાગ્રસ્ત ગામો સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. સ્થાનિક પોલીસ સ્ટેશનો પણ પાણીમાં ડૂબી ગયા છે. અહીં સાવિત્રી નદી ભયજનક સ્તરે વહી રહી છે. ગામને જોડતો રસ્તો ધોવાઈ ગયો છે, એમ રાયગડ જિલ્લા કલેક્ટર નિધી ચૌધરીનું કહેવું છે.