નવો શ્રમ કાયદો આવી રહ્યો છેઃ સાંજે 7 વાગ્યા પછી મહિલાઓની સલામતી જોવી પડશે

નવી દિલ્હી – કેન્દ્ર સરકારે નવો શ્રમ ખરડો તૈયાર કર્યો છે અને તે સંસદના હાલના સત્રમાં જ રજૂ કરવામાં આવે એવી ધારણા છે. આ ખરડામાં મહિલા કર્મચારીની આબરૂ અને સલામતીને સર્વોપરી ગણવામાં આવી છે.

નવા ખરડા અનુસાર, મહિલાઓ માટે કામકાજનાં કલાકો સવારે 6 અને સાંજે 7 વાગ્યાની વચ્ચેનાં રહેશે. તે છતાં જો મહિલા કર્મચારીઓ પાસે સાંજે 7 વાગ્યા પછી કામ કરાવવું હોય તો એમને સલામતી પૂરી પાડવાની જવાબદારી તેના માલિકની રહેશે.

તે ઉપરાંત રજાના દિવસે કોઈ પણ મહિલા કર્મચારીને કામ પર બોલાવી શકાશે નહીં. ધારો કે એને કામ પર બોલાવવાની કોઈ તાકીદની જરૂર ઊભી થાય તો એની સલામતીની જવાબદારી એનાં માલિકની રહેશે.

આ ખરડાનું બીજું મહત્ત્વનું પાસું છે કાયદા અંતર્ગત કોઈ કર્મચારીનાં પરિવારની પરિભાષા. તે અંતર્ગત હવે આશ્રિતના દાદા-દાદી કે નાના-નાનીનો સમાવેશ કરવામાં આવશે. બીજા શબ્દોમાં, જે લાભ આશ્રિત કર્મચારીનાં માતા-પિતાને મંજૂર કરવામાં આવ્યા છે તે હવે આશ્રિતનાં દાદા-દાદી કે નાના-નાનીને પણ મળશે.

કેન્દ્રીય કાયદા મંત્રાલયે તૈયાર કરેલા આ ખરડાને પ્રધાનમંડળે પાસ કરી દીધો છે અને હવે એને સંસદમાં રજૂ કરવામાં આવશે.

કર્મચારી અને માલિક, બંનેને લાભ રહે એ રીતે, ઓવરટાઈમના કલાકોને વધારીને પ્રતિ મહિને 125 કલાક કરવામાં આવ્યા છે. એવી જ રીતે, કર્મચારીનાં બાળકો માટે ઘોડિયાઘર, ગુણવત્તાસભર આહાર માટે કેન્ટીન, કોઈ અકસ્માત બને તો પ્રાથમિક સારવારની સુવિધા રાખવી પડશે તેમજ એક વેલ્ફેર ઓફિસરની નિમણૂક પણ કરવાની રહેશે.

આ કલ્યાણકારી પગલાં તમામ કંપનીઓ/ઓફિસોએ શક્ય હોય એટલા વ્યવહારૂ રીતે લેવાના રહેશે.

શ્રમ અને રોજગાર મંત્રાલયના એક ટોચના અધિકારીએ કહ્યું કે અમે આ કાયદાને કર્મચારી માટે વધુમાં વધુ આસાન અને એના હિતમાં રહે એ રીતે બનાવ્યો છે. અમે કર્મચારીઓ તથા માલિકો, બંનેનાં અધિકારો વચ્ચે સંતુલન જાળવવાનો પણ પ્રયાસ કર્યો છે. સરકારે મહિલા કર્મચારીઓની સુરક્ષાને ટોચની પ્રાથમિકતા આપી છે. ઈલેક્ટ્રોનિક મિડિયામાં કામ કરતા પત્રકારો સહિતના પત્રકારોને વધારે સારું વેતન મળે અને એમની કામકાજની પરિસ્થિતિ પણ સારી રહે એની તકેદારી રાખવામાં આવી છે.

માલિકોએ નિર્ધારિત કરતાં વધારે વયના કર્મચારીઓને મફતમાં વાર્ષિક હેલ્થચેક-અપ સુવિધા પૂરી પાડવી પડશે. વધુમાં, માલિકોએ દરેક કર્મચારીને અપોઈન્ટમેન્ટ લેટર આપવાનો રહેશે.

કેન્દ્રીય કામદાર સંગઠનો, માલિકોનાં એસોસિએશનો અને રાજ્ય સરકારો સહિત તમામ સંબંધિત પક્ષો સાથે વિસ્તૃત રીતે મસતલ કર્યા બાદ આ ખરડો તૈયાર કરવામાં આવ્યો છે જેમાં કર્મચારીઓનાં લાભ માટે ધરમૂળથી ફેરફારો કરવામાં આવ્યા છે.

(તમામ તસવીરો પ્રતિકાત્મક છે)