નવી દિલ્હી – 2022ની સાલ સુધીમાં નવા ભારત (ન્યુ ઈન્ડિયા)નું નિર્માણ કરવાના નિશ્ચયનો પુનરોચ્ચાર કરીને ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં આજે એક રાજકીય ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો. ઠરાવમાં જણાવાયું છે કે વિરોધ પક્ષોમાં કોઈ નેતા નથી અને એની પાસે કોઈ નીતિ નથી, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં સૌથી લોકપ્રિય નેતા છે.
રાજકીય ઠરાવ ભાજપના સિનિયર નેતા અને ગૃહ પ્રધાન રાજનાથ સિંહે રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં રજૂ કર્યો હતો.
ભાજપે જણાવ્યું છે કે ભાજપને હરાવવાની વિરોધપક્ષો યોજના એ દિવસમાં સપનું જોવા સમાન છે.
પત્રકારો સાથેની વાતચીતમાં કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે છેલ્લા ચાર વર્ષમાં દેશમાં ઘણું વિકાસકામ કરવામાં આવ્યું છે અને 2022ની સાલ સુધીમાં ન્યુ ઈન્ડિયાનું નિર્માણ કરવામાં આવશે. જાવડેકરે કહ્યું કે, આ સરકાર પાસે દૂરંદેશી, સંવેદના અને કલ્પનાશક્તિ છે અને એ સરકારે કરેલા કાર્યો પરથી ફલિત થાય છે. 2022ની સાલ સુધીમાં ભારત ત્રાસવાદ, જાતિવાદ, કોમવાદથી મુક્ત થઈ જશે અને કોઈ બેઘર નહીં રહે.