મુંબઈઃ જો તમારે બેન્કને લગતું કોઈ મહત્ત્વનું કામ હોય તો જલદી પતાવી લેજો, કારણ કે માર્ચના આખરી અઠવાડિયામાં દેશભરમાં બેન્કો લગાતાર ચાર દિવસ બંધ રહેવાની છે. કેન્દ્ર સરકારે અપનાવેલા ખાનગીકરણના વિરોધમાં બેન્ક કર્મચારીઓ બે દિવસ હડતાળ પર જવાના છે. દેશની સૌથી મોટી બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ આ માહિતી આપી છે.
દેશભરના બેન્ક કર્મચારી સંગઠનોએ 28 અને 29 માર્ચે (સોમવાર અને મંગળવારે) રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન કર્યું છે. તેને કારણે દેશભરમાં બેન્કિંગ કામકાજ ખોરવાઈ જાય એવી સંભાવના રહેશે. તેની પહેલાં, સપ્તાહાંતના દિવસોને કારણે – શનિવાર અને રવિવારે બેન્કો બંધ રહેશે. આમ, સતત ચાર દિવસ બેન્કો બંધ રહેવાની છે. જાહેર ક્ષેત્રની બેન્કોના ખાનગીકરણના વિરોધમાં બેન્કકર્મચારીઓ હડતાળ પર જવાના છે. હડતાળ પર જવા વિશે ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોઈઝ એસોસિએશન, બેન્ક એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ ઈન્ડિયા અને ઓલ ઈન્ડિયા બેન્ક ઓફિસર્સ એસોસિએશને નોટિસ આપી છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનો દાવો છે કે હડતાળના દિવસોમાં તેની શાખાઓ અને કાર્યાલયોમાં કામકાજ રાબેતા મુજબ ચાલે એ માટે તેણે આવશ્યક વ્યવસ્થાઓ કરી છે, પરંતુ તે છતાં કામકાજને માઠી અસર પડશે એવો તેને ડર છે.