નવી દિલ્હીઃ પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમને INX મીડિયા મુદ્દે સીબીઆઈમાં નોંધાયેલા મામલામાં જમાનત મળી ગઈ છે પરંતુ તેઓ હજી જેલમુક્ત થશે નહી. કારણ કે આ મુદ્દે ઈડીમાં નોંધાયેલા મામલામાં તેમને રાહત મળી નથી. જો હવે ચિદમ્બરમ તિહાડ જેલમાં નહી પરંતુ ઈડીની કસ્ટડીમાં રહેશે.
પી ચિદમ્બરમને જમાનત પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તેમને છોડવામાં આવી શકે પરંતુ તેઓ કોઈ અન્ય મામલામાં પકડાય નહી, ઈડીમાં નોંધાયેલા મામલામાં પી ચિદમ્બરમની કસ્ટડી તપાસ એજન્સીને સોંપવામાં આવી છે. એટલે સીબીઆઈમાં નોંધાયેલા મામલામાં જમાનત ન મળવા છતા ચિદમ્બરમ હવે ઈડીની કસ્ટડીમાં રહેશે.
પી ચિદમ્બરને સીબીઆઈમાં નોંધાયેલા મામલામાં જે જમાનત મળી છે તે શરતો સાથેની જમાનત છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે ચિદમ્બરમ કોર્ટની મંજૂરી વગર દેશ છોડીને વિદેશ નહી જઈ શકે, તેમને 1 લાખ રુપિયાના પર્સનલ બોન્ડ પર જમાનત આપવામાં આવી છે.
ગત 21 ઓગસ્ટના રોજ ચિદમ્બરની તેમના જોરબાગ સ્થિત ઘરથી ધરપકડ કરવામાં આવી હતી. INX મીડિયા મામલે દિલ્હી હાઈકોર્ટે પી. ચિદમ્બરમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. ચિદમ્બરમની ધરપકડના બીજા દિવસે તેમને સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે તેમને 5 દિવસની કસ્ટડીમાં મોકલ્યા હતા. ત્યારબાદ પી ચિદમ્બરમની કસ્ટડીનો સમયગાળો સતત વધતો ગયો અને 17 ઓક્ટોબરના રોજ કોર્ટે ઈડીને પણ તેમની કસ્ટડીની મંજૂરી આપી દીધી. અત્યારે 24 ઓક્ટોબર સુધી તેઓ ઈડીની કસ્ટડીમાં છે.