હૈદરાબાદ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હૈદરાબાદ મેટ્રોનું લીલી ઝંડી દેખાડી ઉદઘાટન કર્યું. જોકે શહેરની જનતા માટે મેટ્રો ટ્રેન 29 નવેમ્બર એટલે કે બુધવારથી શરુ કરવામાં આવશે. મેટ્રો રેલના પ્રથમ તબક્કામાં નાગોલથી મિયાપુર વચ્ચે 30 કિલોમીટર લાંબી મેટ્રો સેવા શરુ કરવામાં આવશે. આ માર્ગમાં કુલ 24 સ્ટેશનો બનાવવામાં આવ્યા છે.
આ દરમિયાન વડાપ્રધાન મોદી હૈદરાબાદ મેટ્રોમાં મુસાફરી પણ કરી હતી. તેમની સાથે તેલંગાણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવ મિયાપુરથી કુકટપલ્લી સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી. તેલંગાણાના સૂચના અને પ્રસારણપ્રધાન કે. ટી. રામારાવે જણાવ્યું કે, શરુઆતના તબક્કામાં મેટ્રો ટ્રેન સવારે 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી ચાલશે. બાદમાં પ્રવાસીઓની સંખ્યા અને માગણીને ધ્યાનમાં રાખીને મેટ્રોના સમયને સવારે 5 વાગ્યાથી શરુ કરીને રાતના 11 વાગ્યા સુધી કરવામાં આવશે.વડાપ્રધાને આ યોજનાને સૌથી નવીન પરિયોજના અને સાર્વજનિક-ખાનગી જનભાગીદારી PPP મોડલ પર આધારિત સૌથી લાંબી મેટ્રો રેલ પરિયોજના તરીકે ગણાવી છે. તેલંગાણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવે જણાવ્યું કે, શરુઆતમાં બધી જ ટ્રેનમાં ત્રણ કોચ રાખવામાં આવશે. બાદમાં પ્રવાસીઓની સંખ્યા મુજબ કોચની સંખ્યા વધારીને છ સુધી કરવામાં આવશે.