મહાડ (રાયગડ, મહારાષ્ટ્ર): મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને થપ્પડ મારવી જોઈએ એવું ચોંકાવનારું નિવેદન કરીને કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા નારાયણ રાણેએ ગઈ કાલે એમની ધરપકડને આમંત્રણ આપ્યું હતું. રત્નાગિરી પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ એમની ધરપકડ કરી હતી, પરંતુ રાયગડ જિલ્લાના મહાડ શહેરની અદાલતે જામીન માટે એમણે કરેલી અરજીનો ગઈ કાલે મોડી સાંજે સ્વીકાર કર્યો હતો. કોર્ટે રાણેને આદેશ આપ્યો છે કે તેમણે આ કેસમાં તપાસ માટે 31 ઓગસ્ટ અને 13 સપ્ટેમ્બરે રત્નાગિરી પોલીસ સ્ટેશનમાં હાજર થવું. રત્નાગિરી કોર્ટે ગઈ કાલે આગોતરા જામીન અરજી નકારી કાઢ્યા બાદ મહાડની પોલીસે રાણેની ધરપકડ કરી હતી અને એમને મહાડના મેજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર કર્યા હતા. ત્યારબાદ એમને અદાલતી કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા.
મહાડની કોર્ટે રાણેને ચેતવણી આપી છે કે તેઓ ભવિષ્યમાં આ પ્રકારના નિવેદનો ન કરે. રાણેના એડવોકેટ સંગ્રામ દેસાઈએ કહ્યું કે, કોર્ટે અમુક શરતે જામીન મંજૂર કર્યા છે. એક, રાણેએ બે દિવસે તપાસ માટે પોલીસ સ્ટેશનમાં હાજર થવું અને ભવિષ્યમાં આ પ્રકારનો ગુનો ફરીવાર ન કરવો. કોર્ટે રાણેને રૂ. 15,000ની રકમના પર્સનલ બોન્ડ સુપરત કરવાની સામે જામીન અરજી મંજૂર કરી હતી.
