નવી દિલ્હી: મહારાષ્ટ્ર કેસમાં સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યો છે કે આવતીકાલે એટલે કે 27 નવેમ્બર સુધીમાં વિધાનસભામાં બહુમતી પરીક્ષણ થવું જોઈએ. આ સાથે અદાલતે આદેશ આપ્યો છે કે ધારાસભ્યોના શપથ ગ્રહણ સાંજે 5 વાગ્યા પહેલાં થઈ જવા જોઈએ અને પ્રોટેમ સ્પીકરની નિમણૂક થવી જોઈએ. કોર્ટે કહ્યું કે ફ્લોર ટેસ્ટની પ્રક્રિયાનું પણ જીવંત પ્રસારણ થવું જોઈએ.
આ પહેલાં રવિવારે કોંગ્રેસ-એનસીપી અને શિવસેના જોડાણ રાજભવનમાં ગયું હતું અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. પરંતુ રાજ્યપાલને જે પત્ર આપવામાં આવ્યો છે તેમાં એવું નથી કહેવામાં આવ્યું કે કોના નેતૃત્વ હેઠળ સરકાર રચાય? મુખ્યમંત્રી કોણ બનશે? એ પણ રસપ્રદ છે કે મરાઠી ભાષામાં લખાયેલા આ પત્ર પર કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા દ્વારા નહીં પરંતુ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષના હસ્તાક્ષર છે.
હજી સુધી, કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતાની પસંદગી કરવામાં આવી નથી, તો રાજ્યપાલ રાજ્ય પ્રમુખની સહી સ્વીકારી લેશે? કારણ કે અત્યાર સુધી કહેવામાં આવી રહ્યું હતું કે ગઠબંધનમાંથી ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બનશે, તેમ છતાં શિવસેના વિધાનસભા પક્ષના નેતા એકનાથ શિંદે છે. આપને જણાવી દઈએ કે રાજભવનમાં અપાયેલા પત્રો મહારાષ્ટ્રમાં સરકારની રચના માટે મહત્વપૂર્ણ બન્યાં છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 105, શિવસેનાએ 56, એનસીપીને 54 અને કોંગ્રેસને 44 બેઠકો મળી છે. ભાજપ અને શિવસેનાએ મળીને બહુમતીનો 145 આંક પાર કર્યો. પરંતુ શિવસેનાએ 50-50 ફોર્મ્યુલાની માંગ મૂકી, જે મુજબ અઢી અઢી વર્ષ સુધી સરકાર ચલાવવાનું એક મોડેલ હતું. શિવસેનાનું કહેવું છે કે ભાજપ સાથે કરાર આ ફોર્મ્યુલા પર કરવામાં આવ્યો હતો, પરંતુ ભાજપનો દાવો છે કે આ પ્રકારનો કોઈ કરાર થયો નથી. આના કારણે મતભેદ એટલા બધાં થયાં કે બંને પક્ષોની 25 વર્ષ જૂની મિત્રતા તૂટી ગઈ. આ પછી, અનેક તબક્કાની બેઠક પછી, કોંગ્રેસ-એનસીપી અને શિવસેનાએ ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં સરકાર બનાવવાનો નિર્ણય કર્યો અને શનિવારે ત્રણેય પક્ષો દાવો રજૂ કરવા રાજભવન જઈ રહ્યાં હતાં. પરંતુ ભાજપે રાત્રે અજિત પવારને પલટાવી દીધાં અને સીએમ દેવેન્દ્ર ફડણવીસે સવારે આઠ વાગ્યે શપથ લીધાં અને અજિત પવાર તેમની સાથે ડેપ્યુટી સીએમ બન્યાં.