નાગાલેન્ડમાં ગોળીબારમાં 13-નાગરિકોના મરણની ઘટના; હત્યાનો-કેસ નોંધાયો

કોહિમાઃ નાગાલેન્ડ રાજ્યના મોન જિલ્લામાં બળવાખોરી-વિરોધી એક કાર્યવાહી નિરંકુશ બની ગયા બાદ સુરક્ષા દળોએ ઓટિંગ ગામમાં કરેલા ગોળીબારમાં ઓછામાં ઓછા 13 નાગરિકો માર્યા ગયા હતા. તે કમનસીબ ઘટનાના સંબંધમાં હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.

રાજ્યના મુખ્ય પ્રધાન નેઈફૂ રીઓએ આ ઘટનાની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે. તેઓ આજે મોન જિલ્લાની મુલાકાતે પણ જશે. રાજ્ય સરકારે સુરક્ષા દળોના ગોળીબારમાં માર્યા ગયેલા તમામ 13 જણના પરિવારોને રૂ. પાંચ-પાંચ લાખની રકમ વચગાળાના વળતર પેટે ચૂકવવાની જાહેરાત કરી છે. ઘટનામાં માર્યા ગયેલાઓ કોલસાની ખાણમાં કામ કરનારાઓ હતા. એક સૈનિકનું પણ મરણ નિપજ્યું છે અને બીજાં 11 જણ ઘાયલ પણ થયાં છે. ગોળીબારની ઘટના બાદ ઓટિંગ ગામના નાગરિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.