શિયા-વક્ફ-બોર્ડના ભૂતપૂર્વ વડા વસીમ રિઝવી હિન્દુ બન્યા

ગાઝિયાબાદઃ ઉત્તર પ્રદેશ શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના ભૂતપૂર્વ અને વિવાદાસ્પદ ચેરમેન વસીમ રિઝવી ઈસ્લામ ધર્મ છોડી દીધો છે અને વિધિવત્ હિન્દુ બન્યા છે. અહેવાલો અનુસાર, આજે અહીંના ડાસના મંદિર ખાતે મહંત નરસિંહાનંદ સરસ્વતીએ રિઝવીને વિધિસર હિન્દુ તરીકે ધર્મપરિવર્તન કરાવ્યું હતું. આ ધર્મપરિવર્તન દ્વારા રિઝવી ત્યાગી સમુદાયમાં સામેલ થયા છે. એમણે પોતાનું નામ પણ બદલી નાખ્યું છે. એમણે જિતેન્દ્ર નારાયણ સિંહ ત્યાગી તરીકે પોતાનું નવું નામ ધારણ કર્યું છે.

રિઝવીએ પોતાના વસિયતનામામાં જણાવ્યું હતું કે એમના મૃત્યુ પછી એમના મૃતદેહના પરંપરાગત હિન્દુ વિધિ અનુસાર અગ્નિસંસ્કાર કરવા અને દફનાવવો નહીં. રિઝવીએ એમ લખ્યું છે કે એમની ચિતાને હિન્દુ મહંત નરસિંહાનંદ સરસ્વતીના હાથે અગ્નિદાહ અપાવવો. રિઝવીએ ઈસ્લામ ધર્મગ્રંથ કુરાનમાંથી 26 આયતોને દૂર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં પીટિશન નોંધાવ્યા બાદ વિવાદ જગાવ્યો હતો. એમનો આક્ષેપ છે કે આ આયતો ત્રાસવાદ અને જિહાદને ઉત્તેજન આપે છે. આ વાંધાજનક આયતોને પવિત્ર કુરાનમાં ઘણી પાછળથી ઉમેરવામાં આવી હતી.

રિઝવીએ અમુક વખત પહેલાં એક વિડિયો રિલીઝ કરીને જણાવ્યું હતું કે એમને પોતાના જાન પર જોખમ જણાય છે, કારણ કે અનેક કટ્ટરવાદી ઈસ્લામી સંગઠનોએ એમનું માથું વાઢી નાખવાની હાકલ કરી છે.