મુંબઈઃ અહીં બનેલા એક દુઃખદ બનાવમાં, ગઈ કાલે વિલે પારલે (વેસ્ટ) સ્થિત જુહૂ બીચના દરિયામાં નાહવા પડ્યા બાદ લાપતા થયેલા પાંચમાના ચાર છોકરાઓના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે હજી એક જણ લાપતા છે. તેની શોધખોળ ચાલુ છે. પાંચેય છોકરા 12-16 વર્ષની વયના હતા.
હૃદયદ્રાવક ઘટના ગઈ કાલે સાંજે લગભગ 4.30 અને પાંચ વાગ્યાની વચ્ચે બની હતી. સાંતાક્રુઝ (ઈસ્ટ) ઉપનગરના વાકોલા વિસ્તારના દત્ત મંદિર મોહલ્લાના રહેવાસી અને કિશોર વયનાં પાંચ મિત્રો જુહૂ કોલીવાડા તરફની જેટ્ટીમાંથી દરિયામાં નાહવા પડ્યા હતા. બીચ પર ફરી રહેલા લાઈફગાર્ડે વ્હીસલ વગાડીને એમને દરિયામાં ન જવાની ચેતવણી આપી હતી તે છતાં છોકરાઓ તેની અવગણના કરીને દરિયામાં ગયા હતા.
દરિયાની ભરતીએ ચાર કિશોરનો ભોગ લીધાની કમનસીબ ઘટના બાદ જુહૂ બીચ પર બામ્બૂ લગાડીને સીમારેખા બનાવતા કામદારો
બિપરજોય વાવાઝોડાની અસરને કારણે હાલ દરિયો તોફાની રહેતો હોવાથી પોલીસ વિભાગ અને મહાનગરપાલિકા તંત્ર નાગરિકોને સતત અપીલ કરે છે કે તેમણે દરિયાની નજીક જવું નહીં. લોકોને દરિયાથી દૂર રાખવા માટે સમગ્ર જુહૂ દરિયાકાંઠા પર 12 લાઈફગાર્ડ્સ જવાનોની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. એમાંના ચાર લાઈફગાર્ડ્સની અવગણના કરીને પાંચ મિત્રો દરિયામાં નાહવા પડ્યા હતા. પરંતુ કમનસીબે બાદમાં લાપતા થઈ ગયા હતા. ચાર જણના મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસો એમને વિલે પારલે (વેસ્ટ) સ્થિત મહાપાલિકા સંચાલિત કૂપર હોસ્પિટલમાં લઈ ગયા હતા. ફરજ પરના મેડિકલ ઓફિસરે ચારેયને મૃત લાવેલા ઘોષિત કર્યા હતા. આ ચાર જણના નામ છેઃ ધર્મેશ વાલજી ફૌજીયા, શુભમ યોગેશ ઓગનિયા, જય રોશન તજભરિયા, મનીષ રોશન ઓગનિયા.
