બુલેટ-ટ્રેન યોજનાઃ મહારાષ્ટ્રના CM શિંદેએ ડેડલાઈન આપી

મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન સેવા માટે મહારાષ્ટ્રમાંની જમીન અધિગ્રહણ કરાવવાનું તેમજ વળતરનું કામકાજ પૂરું કરવા માટે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ 30 સપ્ટેમ્બરની મહેતલ નક્કી કરી છે.

શિંદેએ આ સંદર્ભમાં તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓની ગઈ કાલે એક બેઠક બોલાવી હતી અને એમને આદેશ આપ્યો હતો કે એમણે સમયમર્યાદા સિદ્ધ કરાવવા માટે યુદ્ધના ધોરણે કામ કરવું અને જ્યાં પણ જરૂરી પરવાનગીઓ મેળવવાની હોય એ તાકીદે મેળવી લેવી.

શિંદેએ અધિકારીઓને કહ્યું છે કે રૂ. 1.08 લાખ કરોડના ખર્ચવાળી મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલવે (બુલેટ ટ્રેન) યોજના માટે મહારાષ્ટ્ર સરકારને ભાગે જે જમીન અધિગ્રહણની જવાબદારી છે તે અંતર્ગત જમીન સંપાદન કરવા, વળતરની પ્રક્રિયા પૂરી કરવા અને જમીન ટ્રાન્સફર કરવાના કામો 30 સપ્ટેમ્બર સુધીમાં પૂરા કરવા.