સત્સંગમાં થયેલી ભાગદોડમાં 100થી વધુ લોકોનાં મોત, 200 ઘાયલ

હાથરસઃ ઉત્તર પ્રદેશના હાથરસ સ્થિત રતિભાનપુરમાં સત્સંગ દરમ્યાન ભાગદોડ થઈ હતી, જેમાં 100થી વધુ લોકોનાં મોત થયાં છે અને 200થી વધુ લોકો ઘાયલ થયા છે. આ સત્સંગમાં 50,000થી વધુ લોકો હાજર હોવાની આશંકા છે.  આ દુર્ઘટનામાં અનેક મહિલો અને બાળકો ઇજાગ્રસ્ત થયા છે અને દબાઈ ગયા છે. આ દુર્ઘટનાની જાણ થતાં મુખ્ય મંત્રી ઓફિસે જિલ્લા વહીવટી તંત્રને ઘાયલોને તત્કાળ હોસ્પિટલમાં સારવાર માટેની વ્યવસ્થા કરવા અને ઘટનાસ્થળે રાહત કાર્યમાં ઝડપ લાવવાના નિર્દેશ આપ્યા હતા.

હાથરસ દુર્ઘટના પર વડા પ્રધાન મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. વડા પ્રદાન લોકસભામાં રાષ્ટ્રપતિના ભાષણ પર જવાબ આપી રહ્યા હતા. તેમને જ્યારે આ દુર્ઘટનાની જાણ થઈ, ત્યારે તેમણે ભાષણને વચ્ચે અટકાવીને આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સાર્જના સંપર્કમાં છે અને આ દુર્ઘટનામાં  પીડિતોને દરેક પ્રકારની સહાય કરવામાં આવશે.

આ ઘટના નજરે જોનારા લોકોનું કહેવું હતું કે સત્સંગ પૂરો થયા પછી લોકો ત્યાંથી જવા લાગ્યા, ત્યારે ભાગદોડ થઈ હતી અને અરાજકતા ફેલાઈ હતી. લોકો એકમેકની ઉપર ચઢીને ચાલ્યા જતા હતા, જેથી ચારે બાજુ ચીસાચીસનો માહોલ હતો.તેમણે ADG આગરા અને કમિશનર અલીગઢના નેતૃત્વમાં ઘટનાનાં કારણોની તપાસ કરવાના નિર્દેશ આપ્યા હતા. CM યોગીના નિર્દેશ પછી સરકારના બે વરિષ્ઠ મંત્રી અને મુખ્ય સચિવની સાથે DGP પણ ઘટનાસ્થળ માટે રવાના થયા છે.

એટાના SSP રાજેશકુમાર સિંહનું કહેવું છે કે હાથરસ જિલ્લાના મુગલગઢી ગામમાં એક ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો, ત્યારે ભાગદોડ થઈ હતી. એટા હોસ્પિટલમાં અત્યાર સુધી 27 લોકોના મૃતદેહ પહોંચી ચૂક્યા છે, જેમાં 23 મહિલાઓ, ત્રણ બાળકો અને એક વ્યક્તિનો મૃતદેહ મળ્યા છે.

યોગી સરકારે હાથરસની દુર્ઘટના પર સંવેદના વ્યક્ત કરી હતી અને ઊંડી તપાસના આદેશ આપ્યા હતા. તેમણે મૃતકોને રૂ. બે-બે લાખ તથા ઘાયલોને રૂ. 50,000ની આર્થિક સહાયતાનું એલાન કર્યું હતું. આ સાથે તેમણે આ કાર્યક્રમના આયોજકો વિરુદ્ધ FIR નોંધવાના પણ આદેશ આપ્યા હતા અને વહીવટી તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ત્તર પ્રદેશના હાથરસમાં બનેલી દુર્ઘટનામાં મહિલાઓ અને બાળકો સહિત અનેક શ્રદ્ધાળુઓના મોત હ્દયદ્રવક ગણાવ્યા હતા. તેમણે મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.