ઐઝવાલઃ ઈશાન ભારતના રાજ્યોમાંના એક, મિઝોરમમાં 40-બેઠકોની વિધાનસભા ચૂંટણીમાં આજે પરિણામ ઘોષિત કરવામાં આવ્યું છે. વિરોધપક્ષ ઝોરમ પીપલ્સ મૂવમેન્ટ (ઝેડપીએમ) પાર્ટીએ 27 સીટ જીતીને ઝળહળતો વિજય હાંસલ કર્યો છે અને રાજ્યના ચૂંટણીની મામલે ઈતિહાસ રચ્યો છે. આ પાર્ટીએ શાસક મિઝો નેશનલ ફ્રન્ટ (એમએનએફ)ને પરાજય આપ્યો છે. એમએનએફ પાર્ટીને ફાળે 10 સીટ આવી છે.
રાજ્યમાં ZPMના વડા લાલદુહોમા મુખ્ય પ્રધાન પદ સંભાળશે. તેઓ ભૂતપૂર્વ પોલીસ અધિકારી છે. એમણે ભૂતકાળમાં તે વખતનાં વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીની નવી દિલ્હીસ્થિત સુરક્ષા વ્યવસ્થામાં ફરજ બજાવી હતી.
એમએનએફના ઉમેદવાર અને મુખ્ય પ્રધાન જોરામથાંગાનો ઐઝવાલ (પૂર્વ-1) બેઠક પર પરાજય થયો છે. ઝોરમ પીપલ્સ મૂવમેન્ટના ઉમેદવાર લાલથાનસાંગા સામે CM જોરામથાંગાનો 2,101 મતોના માર્જિનથી પરાજય થયો છે. લાલથાનસાંગાને 10,727 વોટ મળ્યા છે જ્યારે જોરામથાંગાને 8,626 વોટ મળ્યા છે.
જોરામથાંગાએ આજે સાંજે 4 વાગ્યે રાજ્યના ગવર્નર હરિબાબુ કમ્ભમપતિને મળીને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું.
