આજે સવારથી જ એન્ટીવાઇરસ ક્રાઉડસ્ટ્રાઇકના અપડેટથી માઇક્રોસોફ્ટની ક્લાઉડ સર્વિસમાં મુશ્કેલી આવી રહી છે. જેના કારણે દુનિયાભરમાં એરલાઇન્સ, બેકિંગ અને અનેક કોર્પોરેટ કંપનીઓનાં કામકાજ પર અસર પડી છે. અમેરિકા, બ્રિટન અને ભારત જેવા અનેક દેશમાં 1400થી વધારે ફ્લાઇટ્સ કેન્સલ થઈ ગઈ છે. ત્યારે 3000 જેટલી ફ્લાઈટે ડિલે ઉડાન ભરી હતી.
માઈક્રોસોફ્ટની આ ખામીના કારણે ભારતની ચાર એરલાઈન્સ ઈન્ડિગો, સ્પાઈસજેટ, અકાસા એર અને એર ઈન્ડિયા એક્સપ્રેસે અહેવાલ આપ્યો છે કે તેમની બુકિંગ, ચેક-ઈન અને ફ્લાઈટ અપડેટ સેવાઓ ટેક્નિકલ સમસ્યાને કારણે પ્રભાવિત થઈ છે. એરપોર્ટ પર સર્વિસના અભાવે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર આજ ખામીને લઈને હૈદરાબાદ અને બેંગલુરુની મોટા ભાગની કોર્પોરેટ કંપનીઓમાં વાઇરસ એટેકની વાત કહેવામાં આવી રહી છે. સિસ્ટમ બ્લૂ સ્ક્રીનમાં આવ્યા પછી રી-સ્ટાર્ટ થઈ રહી છે. હૈદરાબાદમાં ઘણી કંપનીઓમાં કર્મચારીઓને 2 કલાક સુધી સિસ્ટમ ઓફ કરવા માટે કહેવામાં આવ્યું હતું.
લખનઉના અમૌસી એરપોર્ટ પર કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણની ફ્લાઈટ લગભગ 2 કલાક સુધી અટવાઈ રહી. માઈક્રોસોફ્ટ સર્વરમાં ટેકનિકલ સમસ્યાના કારણે આવું થયું છે. સાયબર સિક્યોરિટી ફર્મ ક્રાઉડસ્ટ્રાઈકના બોઝે યુએસ બ્રોડકાસ્ટર એનબીસી ન્યૂઝ સાથેના ઇન્ટરવ્યૂમાં તેમના સોફ્ટવેર અપડેટને કારણે થયેલા વિક્ષેપ માટે માફી માગી. જ્યોર્જ કર્ટ્ઝે કહ્યું કે અમે ટૂંક સમયમાં તમારા માટે આ વિશે વધુ માહિતી લાવીશું. ઈન્દોર એરપોર્ટ પરથી ફ્લાઈટ ઓપરેશનને પણ અસર થઈ છે. મુંબઈ અને દિલ્હીથી ઈન્દોરની બે ફ્લાઈટ અને ઈન્દોરથી દિલ્હીની એક ફ્લાઈટ સહિત કુલ ત્રણ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.