કોરોના-કેસોમાં ઉછાળો આવતાં મંત્રાલયની આઠ રાજ્યોની સાથે બેઠક

નવી દિલ્હીઃ દેશનાં કેટલાંક રાજ્યોમાં કોરોના સંક્રમણમાં ફરી સતત વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય આને લઈને સચેત બની ગયું છે. મંત્રાલયે આઠ રાજ્યો અને કેન્દ્ર શાસિત  પ્રદેશોના પ્રમુખોની સાથે બેઠક કરીને કોરોનાથી નીપટવા માગતા એડવાઇઝરી જારી કરી છે. મંત્રાલયે કોરોના પ્રભાવિત રાજ્યોને ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ પર વિશેષ ધ્યાન આપવા કહ્યું છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેષ ભૂષણ અને નીતિ આરોગ્યના સભ્ય ડો. વી. પોલે હરિયાણા, આંધ્ર પ્રદેશના આરોગ્ય સચિવ અને એમડી સાથે બેઠક કરીને વાતચીત કરી હતી. તેમણે આઠ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો –આંધ્ર પ્રદેશ, ઓડિશા, ગોવા, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી અને ચંડીગઢને કોરોનાના પરીક્ષણ, ટ્રેસિંગ અને રસીકરણના કાર્યમાં ઝડપ કરવા કહ્યું છે.

મંત્રાલયે આ રાજ્યોમાં વધી રહેલા કેસોની નિગરાની, કોરાનાને અટકાવવાનાં પગલાં અને જાહેર આરોગ્યના ઉપાયોની પણ સમીક્ષા કરી હતી. આઠ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સાથે દિલ્હીમાં નવ જિલ્લા, હરિયાણામાં 15, આંધ્ર પ્રદેશમાં 10, ઓડિશામાં 10, હિમાચલ પ્રદેશમાં નવ, ઉત્તરાખંડમાં સાત, ગોવામાં બે અને ચંડીગઢના એક જિલ્લામાં કોરોના વાઇરસના ટેસ્ટમાં ઘટાડો જોવા મળ્યો છે. આ રાજ્યોમાં આરટી-પીસીઆરમાં પણ ઘટાડો થયો છે.

દિલ્હીમાં કોરોના કેસમાં 37 ટકાનો વધારો

દિલ્હીમાં કોરોના કેસમાં 37 ટકાનો વધારો થયો છે. અહીં લોકોને એક સપ્તાહ સુધી ઘરે આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

કેન્દ્રએ મહારાષ્ટ્ર, પંજાબમાં નિષ્ણાતોની ટીમ મોકલી

કેન્દ્ર સરકારે કોરોના કેસોમાં ઉછાળો આવતા જાહેર આરોગ્યની ઉચ્ચ સ્તરીય ટીમને મહારાષ્ટ્ર અને પંજાબમાં મોકલી છે.