લખનઉઃ બહુજન સમાજ પાર્ટી (બીએસપી)નાં પ્રમુખ માયાવતીએ પાર્ટીનું નેતૃત્ત્વ સંભાળવા માટે પોતાનાં ઉત્તરાધિકારી તરીકે એમનાં ભત્રીજા આકાશ આનંદને નિયુક્ત કર્યાં છે. આકાશ બસપાનાં રાષ્ટ્રીય કોઓર્ડિનેટર તરીકે પદ સંભાળશે. અહીં પાર્ટીની બેઠકને સંબોધિત કરતાં માયાવતીએ જોકે એમ કહ્યું છે કે, પોતે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યોમાં પક્ષનું સંચાલન સંભાળવાનું ચાલુ રાખશે, પરંતુ અન્ય રાજ્યોના સંબંધમાં નિર્ણયો આકાશ આનંદ લેશે.
ગયા ઓગસ્ટ મહિનામાં બસપાએ 14-દિવસની સર્વજન હિતાય, સર્વજન સુખાય નામની સંકલ્પ યાત્રા શરૂ કરી હતી, જેનું નેતૃત્ત્વ આકાશ આનંદે લીધું હતું. 2019માં જ્યારે ચૂંટણી પંચે માયાવતી પર 48-કલાકનો પ્રતિબંધ મૂક્યો હતો ત્યારે આકાશે રાજકીય તખ્તા પર પદાર્પણ કર્યું હતું. એમણે પોતાની પહેલી રેલીને સંબોધિત કરી હતી.