કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં ઘમસાણ તેજ થઈ ગયું છે. પહેલા તબક્કાના મતદાન પછી મમતા બેનરજીની નજર બીજા તબક્કા પર છે, જેમાં તેઓ ખુદ નંદીગ્રામમાંથી ચૂંટણીના મેદાનમાં છે. તેમની સામે ભાજપના ઉમેદવાર સુવેન્દુ અધિકારી છે. મમતા બેનરજી સંપૂર્ણ તાકાત સાથે ચૂંટણીપ્રચારમાં ઊતર્યાં છે. તેઓ નંદીગ્રામમાં વ્હીલચેર પર પદયાત્રા (રોડ-શો) કરી રહ્યાં છે. તેઓ ઇજાગ્રસ્ત થયાં એ પછી તેમનો આ પહેલો રોડ-શો છે.
બીજા તબક્કામાં રાજ્ય વિધાનસભાની ચૂંટણી પહેલી એપ્રિલે યોજાવાની છે, જેમાં નંદીગ્રામની હાઇ-પ્રોફાઇલ બેઠક સામેલ છે. જેમાં મુખ્ય પ્રધાન તેમના ભૂતપૂર્વ સાથીપ્રધાન સુવેન્દુ અધિકારી સામે ચૂંટણી જંગ લડવાનાં છે. સુવેન્દુ ગયા વર્ષે ડિસેમ્બરમાં ભાજપમાં સામેલ થયા છે.
મમતા બેનરજીના આ રોડ-શોમાં હજ્જારો લોકો ઊમટી પડ્યા છે. મમતા બેનરજી રોડ-શો પૂરો કર્યા પછી પોરે 1.30 કલાકે ઠાકુર ચોક પર એક જાહેર સભા યોજશે. એ પછી તેઓ નંદીગ્રામના અમદાવાદ હાઇસ્કૂલના મેદાનમાં જાહેર સભાને સંબોધિત કરશે.
બીજી બાજુ ભાજપના નેતા અને ગૃહપ્રધાન અમિત શાહ નંદીગ્રામમાં મંગળવારે ભાજપના ઉમેદવાર સુવેન્દુ અધિકારી માટે રોડ-શો કરવાના છે.બોલીવૂડ સ્ટાર મિથુન ચક્વર્તી પણ આ રોડ-શોમાં હાજરી આપે એવી શક્યતા છે. ભાજપના નેતા બાબુલ સુપ્રીયો આજે ટોલીગંજમાં ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે.
પશ્ચિમ બંગાળમાં એક એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થશે અને નંદીગ્રામમાં પણ આ તબક્કામાં મતદાન થશે.