નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન અને તૃણમુલ કોંગ્રેસનાં પ્રમુખ મમતા બેનરજીએ રાષ્ટ્રપતિદની આગામી ચૂંટણીમાં વિપક્ષી ઉમેદવારની પસંદગી કરવા માટે ચર્ચા કરવા વિરોધપક્ષોના નેતાઓની આજે એક બેઠક બોલાવી છે. કોન્સ્ટિટ્યૂશન ક્લબ ઓફ ઈન્ડિયા ખાતે બોલાવેલી આ બેઠકમાં 10 વિરોધ પક્ષોના નેતાઓ હાજર રહે એવી ધારણા છે. તે બેઠકમાં કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, સમાજવાદી પાર્ટી, સીપીઆઈ, ડીએમકે, શિવસેના, રાષ્ટ્રીય લોક દળ, પીડીપી, રાષ્ટ્રીય જનતા દલના નેતાઓ હાજર રહેશે. પરંતુ તેલંગણા રાષ્ટ્ર સમિતિ, આમ આદમી પાર્ટી અને આંધ્ર પ્રદેશની વાયએસઆર કોંગ્રેસ પાર્ટી (YSRCP) બેઠકમાં હાજરી નહીં આપે. બેનરજીએ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMને આ બેઠકમાં આમંત્રણ નથી આપ્યું.
હાલના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુદત 24 જુલાઈએ પૂરી થાય છે. એ પહેલાં નવા રાષ્ટ્રપતિની નિમણૂક માટે 18 જુલાઈએ મતદાન યોજાશે અને 21મીએ મતગણતરી તથા પરિણામ જાહેર કરાશે.