કોલકાતા – પશ્ચિમ બંગાળનાં આ પાટનગર શહેરના પોલીસ કમિશનર રાજીવ કુમારને સીબીઆઈ દ્વારા ધરપકડથી બચાવવા માટે રાજ્યનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ ગયા રવિવારે રાતથી શરૂ કરેલું એમનું ધરણા આંદોલન આજે સાંજે અહીં સમાપ્ત કરી દીધું છે.
શારદા ચિટ ફંડ કૌભાંડ કેસના સંબંધમાં પોલીસ કમિશનર રાજીવ કુમારની ધરપકડ કરવા માટે સીબીઆઈના અધિકારીઓ ગયા રવિવારે આવી પહોંચ્યા બાદ બેનરજીએ ઉહાપોહ મચાવી દીધો હતો અને આ પગલું કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા રાજકીય કિન્નાખોરીભર્યુ છે એવો દાવો કર્યો હતો અને કેન્દ્ર સરકારના વિરોધમાં કોલકાતામાં મેટ્રો થિયેટરની સામેના સ્થળે ધરણા પર બેસી ગયાં હતાં. પોતાનાં આ આંદોલનને એમણે ‘બંધારણ બચાવો ધરણા’ નામ આપ્યું હતું.
ધરણાનો અંત લાવતાં એમણે કહ્યું કે આ ધરણા એ બંધારણ તથા લોકશાહીની જીત સમાન છે. તેથી આજે આનો અંત લાવી દઉં છું. એ લોકો (કેન્દ્ર સરકાર) રાજ્ય સરકારની તપાસ એજન્સીઓ સહિત બધી એજન્સીઓ પર પોતાનું વર્ચસ્વ જમાવવા માગે છે. વડા પ્રધાન તમારે દિલ્હીમાંથી રાજીનામું આપવું જોઈએ અને ગુજરાત પાછા જતા રહેવું જોઈએ. દિલ્હીમાં તો એક વ્યક્તિની સરકાર અને એક વ્યક્તિની પાર્ટી સરકાર ચાલે છે.
બેનરજીએ ધરણાનો અંત લાવ્યો ત્યારે એમની સાથે આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુ અને રાષ્ટ્રીય જનતા દળના તેજસ્વી યાદવ હાજર હતા.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે આજે સીબીઆઈને આદેશ આપ્યો હતો કે એણે રાજીવ કુમારની ધરપકડ કરવી નહીં. કોર્ટે સાથોસાથ, રાજીવ કુમારને પણ આદેશ આપ્યો છે કે એમણે સીબીઆઈ સમક્ષ હાજર થઈને પૂછપરછનાં જવાબો આપવા.
કોર્ટે રાજીવ કુમારને આદેશ આપ્યો છે કે એમણે મેઘાલયના પાટનગર શિલોંગમાં તપાસનીશ એજન્સી સીબીઆઈના અધિકારીઓ સમક્ષ હાજર થવું.
કોર્ટે સીબીઆઈને એવો પણ આદેશ આપ્યો છે કે એણે રાજીવ કુમારની જરાય દમદાટી કરવી નહીં.
તૃણમુલ કોંગ્રેસ પાર્ટીનાં પ્રમુખ બેનરજીએ સુપ્રીમ કોર્ટનાં ચુકાદાને સકારાત્મક ગણાવ્યો હતો અને કહ્યું કે અમે આવતા અઠવાડિયે આ મુદ્દાને રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં આગળ વધારીશું.
ઉલ્લેખનીય છે કે, કરોડો રૂપિયાનાં શારદા ચિટ ફંડ કૌભાંડમાં તપાસ કરનાર સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમનાં વડા રાજીવ કુમાર હતા. તેથી એ તપાસને લગતા તમામ દસ્તાવેજો એમની પાસે છે. સીબીઆઈનો આરોપ છે કે રાજીવ કુમારે કેટલાક દસ્તાવેજોનો નાશ કરી દીધો છે. એ સંબંધમાં તેઓ ગયા રવિવારે એમની પૂછપરછ કરવા કોલકાતામાં એમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
પરંતુ, મમતા બેનરજી સીબીઆઈના પગલાથી રોષે ભરાયાં હતાં અને પોલીસ કમિશનરનું સમર્થન કર્યું હતું. એમણે કહ્યું કે રાજીવ કુમારની પ્રામાણિકતા સામે કોઈ શંકા ઉઠાવી શકાય નહીં. સીબીઆઈની ટૂકડી મોદી, ભાજપપ્રમુખ અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવલના કહેવાથી કોલકાતા આવી પહોંચી હતી.