નવી દિલ્હી – ગઈ 14 ફેબ્રુઆરીએ જમ્મુ અને કશ્મીરના પુલવામા જિલ્લામાં 40 સીઆરપીએફ જવાનોનો ભોગ લેનાર કરાયેલા આત્મઘાતી ત્રાસવાદી હુમલાના મુખ્ય સૂત્રધારને ખતમ કરી દેવામાં આવ્યો છે.
ભારતીય લશ્કરે એ વાતને સમર્થન આપ્યું છે કે પુલવામાના નેશનલ હાઈવે પર કરાયેલા હુમલાનો મુખ્ય ષડયંત્રકાર મુદસ્સીર એહમદ ખાન ઉર્ફે મોહમ્મદ ભાઈ ગઈ કાલે રવિવારે એક એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોના હાથે ઠાર મરાયો હતો.
આજે પત્રકારો સાથની વાતચીતમાં, શ્રીનગર સ્થિત 15-કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડિંગ (GOC) લેફ્ટેનન્ટ જનરલ કંવલજિત સિંહ ધિલોને કહ્યું હતું કે પુલવામા હુમલાના મુખ્ય ષડયંત્રકાર મુદસ્સીર ખાનને ત્રાલમાં કરાયેલા એન્કાઉન્ટરમાં ખતમ કરી દેવામાં આવ્યો છે. પુલવામા ખાતે આત્મઘાતી બોમ્બર આદિલ એહમદ દરને મુદસ્સીરે કાર અને વિસ્ફોટકો પૂરા પાડ્યા હતા. મુદસ્સીર કશ્મીર ખીણમાં અનેક IED વિસ્ફોટોના ષડયંત્રમાં પણ સંડોવાયેલો હતો.
લેફ્ટનન્ટ જનરલ ધિલોને વધુમાં કહ્યું હતું કે સુરક્ષા દળોએ પુલવામા ટેરર હુમલા બાદ 18 ત્રાસવાદીઓને ખતમ કરી નાખ્યા છે. એમાંના 8 જણ પાકિસ્તાનવાસી હતા. એમાંના છ જણ જૈશ-એ-મોહમ્મદ ત્રાસવાદી સંગઠનના સિનિયર કમાન્ડરો હતા.
લેફ્ટનન્ટ જનરલ ધિલોને કહ્યું કે છેલ્લા 21 દિવસોમાં અમે 18 ત્રાસવાદીઓને ખતમ કરી નાખ્યા છે. મુદસ્સીર જૈશ-એ-મોહમ્મદ સંગઠનનો સેકન્ડ કમાન્ડર હતો.
પત્રકાર પરિષદમાં સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના ઈન્સ્પેક્ટર જનરલ (ઓપરેશન્સ) ઝુલ્ફીકાર હસન અને કશ્મીર રેન્જના ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ એસ.પી. પની પણ ઉપસ્થિત રહ્યા હતા.
ધિલોને કહ્યું કે 2019ના વર્ષના પહેલા 70 દિવસોમાં સુરક્ષા દળોએ 44 ત્રાસવાદીઓને ખતમ કર્યા છે. આમાં મોટા ભાગના જૈશ-એ-મોહમ્મદના હતા.
અધિકારીઓનું કહેવું છે કે ત્રાસ નગરના પિંગ્લિશ વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરમાં મુદસ્સીરની સાથે માર્યો ગયેલો બીજો ત્રાસવાદી સજ્જાદ ભટ હોવાનો દાવો કરાયો હતો. તે જૈશ સંગઠનનો સભ્ય હતો અને પુલવામાં હુમલામાં એની જ કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે ભટના ભાઈએ એમ કહીને મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો કે એ ઓળખી ન શકાય એટલી હદે ભડથૂં થઈ ગયો હતો.
મુદસ્સીરના મૃતદેહનો એના પરિવારજનોએ સ્વીકાર કરી લીધો હતો.