મહિન્દ્ર ગ્રુપ અગ્નિવીરોને નોકરી પર રાખશે

મુંબઈઃ કેન્દ્ર સરકારે દેશના સંરક્ષણ દળોમાં નવા સૈનિકોની ભરતી કરવા માટે શરૂ કરેલી અગ્નિપથ યોજના સામે દેશના અનેક ભાગોમાં વિરોધ થયો છે, પણ ખાનગી ક્ષેત્રની અગ્રગણ્ય કંપની મહિન્દ્ર ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રએ તો જાહેર કર્યું છે કે તેઓ તાલીમ પામનાર અને સક્ષમ અગ્નિવીરોને પોતાની કંપનીમાં ભરતી કરશે. આનંદ મહિન્દ્રએ અગ્નિપથ યોજના સામે થઈ રહેલા વિરોધ અને હિંસા સામે દુઃખ વ્યક્ત કર્યું છે. મહિન્દ્રએ એક ટ્વીટમાં જણાવ્યું છે કે, અગ્નિવીરો જે શિસ્ત અને કૌશલ્ય પ્રાપ્ત કરશે એનાથી એમને લાભ થશે અને એમને વધારે સારી નોકરી મેળવવા માટે પાત્ર બનાવશે. મહિન્દ્ર ગ્રુપ આવા તાલીમબદ્ધ, સક્ષમ યુવાઓને ભરતી કરવાની તકને આવકારે છે.

અગ્નિપથ યોજના સામે બિહાર, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, તેલંગણા, ઓડિશા, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, ઝારખંડ, પંજાબ, આસામ રાજ્યોમાં વિરોધ થયો છે. પરંતુ, સરકાર અને ભારતીય સેનાની ત્રણેય પાંખ અગ્નિપથ યોજનાનો અમલ કરાવવા પ્રતિબદ્ધ છે. આ વર્ષે 46,000 યુવાઓને કરારબદ્ધ કરાશે. આ યુવાનોને ચાર વર્ષ માટે કોન્ટ્રાક્ટ પર લેવાશે અને એમને લશ્કરી તાલીમ અપાશે. આ યુવાનોને અગ્નિવીર કહેવામાં આવશે. અગ્નિવીરોના પ્રથમ જૂથ માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા આ જ મહિને શરૂ કરાશે. અગ્નિપથ ભરતી યોજનાનો આરંભ 24 જૂનથી કરાશે અને 24 જુલાઈએ ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]