મહારાષ્ટ્રમાં “ઓપરેશન લોટસ” માટે આ ચાર નેતાઓને જવાબદારી સોંપાઈ

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં રાજકીય નાટક રવિવારે પણ ચાલુ રહ્યું. એકબાજુ ભાજપ બહુમત સાબિત કરવાનો દાવો કરતી રહી તો બીજીબાજુ NCP-કોંગ્રેસ અને શિવસેના પોતાના ધારાસભ્યોને પાર્ટી બદલતા રોકવા માટે એકજુટ કરવામાં લાગી રહી. મોડી સાંજે એનસીપી ધારાસભ્યોને મુંબઈના રેનેસા હોટલથી હયાત હોટલ શિફ્ટ કરવામાં આવ્યા. આના પાછળ કારણ એ દર્શાવવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ અને શિવસેનાના ધારાસભ્યો જે હોટલમાં રોકાયા છે, તેનાથી હયાત હોટલ નજીક છે. આવામાં ત્રણેય પાર્ટીના નેતાઓને એકતા કેળવવામાં મદદ મળશે.

બીજી બાજુ, સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર બીજેપી મહારાષ્ટ્રમાં ઓપરેશન લોટસની તૈયારીમાં લાગી ગઈ છે. આના માટે ભાજપે એ ચાર નેતાઓને બહુમતનો આંકડો એકત્ર કરવાની જવાબદારી આપી છે કે જેઓ ક્યારેક કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાના સભ્ય રહ્યા છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ નેતાઓના નામ રાધાકૃષ્ણ વિખે પાટીલ (પૂર્વ કોંગ્રેસ નેતા), ગણેશ નાયક (એનસીપીથી ભાજપમાં આવેલા), બબનરાવ પાચપુતે (કોંગ્રેસ અને એનસીપીમાં રહી ચૂકેલા), અને નારાયણ રાણે (શિવસેના અને કોંગ્રેસમાં રહી ચૂકેલા) છે.

શનિવારે સવારે ભાજપે NCP ના સમર્થનથી સરકાર તો બનાવી લીધી, પરંતુ તેના માટે બહુમતનો આંકડો પ્રાપ્ત કરવો એટલો સરળ નહી હોય. શનિવારે સવારે રાજભવનમાં આયોજિત સમારોહમાં દેવેન્દ્ર ફડણવીસે બીજીવાર મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા. તો એનસીપી નેતા અજિત પવારે ઉપમુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા. જો કે શનિવારે મોડી સાંજે શરદ પવારે દાવો કર્યો કે પાર્ટીના 49 ધારાસભ્યો અમારી સાથે જ છે. ત્યાં સુધી કે અજીત પવાર સાથે શપથ સમારોહમાં રાજભવનમાં પહોંચેલા ધનંજય મુંડેએ પણ રવિવારે ટ્વીટ કરીને જણાવી દીધું કે અમે શરદ પવારની સાથે છીએ.

બીજીતરફ આખો દિવસ બધા જ લોકોની નજર મુંબઈના પવઈ વિસ્તારની રેનેસા હોટલ પર રહી કે જ્યાં એનસીપી ધારાસભ્યો રવિવારે સાંજ સુધી રોકાયા હતા. 54 પૈકી 50 ધારાસભ્યો ત્યાં ઉપસ્થિત રહ્યા, જેમને મળવા માટે એનસીપી પ્રમુખ શરદ પવાર ત્યાં પહોંચ્યા હતા. આ દરમિયાન શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને પ્રવક્તા સંજય રાઉત પણ ત્યાં પહોંચી ગયા. શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેએ એનસીપીના ધારાસભ્યોને સંબોધિત કર્યા અને ભરોસો અપાવ્યો કે આવતી સરકાર શિવસેના, એનસીપી અને કોંગ્રેસની જ બનશે.

આ પહેલા રવિવારના રોજ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો. રજા હોવા છતા સુપ્રીમ કોર્ટ ખુલી અને આ મામલા પર એનસીપી, અને શિવસેનાના પક્ષ તરફથી દલીલોને સાંભળી. કેન્દ્ર સરકાર દ્વારા પણ દલીલો રજૂ કરવામાં આવી. પરિણામ એ આવ્યું કે સુપ્રીમ કોર્ટે કેન્દ્પ સરકારને સોમવારે સવારે સાડા દસ વાગ્યા સુધીમાં એ બંન્ને પત્રો સામે મૂકવા કહ્યું કે જેમાં બહુમતનો દાવો કરવામાં આવ્યો અને દેવેન્દ્ર ફડણવીસને સરકાર બનાવવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું. આ પત્રોને વાંચ્યા બાદ જ સુપ્રીમ કોર્ટ ફ્લોરટેસ્ટ કરાવવાની માંગ પર નિર્ણય કરે.

મુંબઈ ભાજપના ધારાસભ્યોની બેઠક બાદ ભાજપના નેતા આશીષ શેલારે કહ્યું કે, અમે બહુમત સાબિત કરીશું. આશીષ શેલારે કહ્યું કે બેઠકમાં અમે ચર્ચા કરી અને ફ્લોર ટેસ્ટને આરામથી પાસ કરાવવાની રણનીતિ નક્કી કરી. અમે દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી તરીકે શપથ લેવાની શુભકામનાઓ આપતા એક પ્રસ્તાવ પણ પારિત કર્યો છે. ધારાસભ્યોની મીટિંગ બાદ ભાજપના નેતા આશીષ શેલારે ભરોસો વ્યક્ત કર્યો કે અમારી સરકાર પાંચ વર્ષ પૂરા કરશે.

નારાયણ રાણે સાર્વજનિક રુપે કહે છે કે મારા મીત્રો દરેક જગ્યાએ છે. શિવસેનામાં ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસમાં અશોક ચૌહાણને છોડીને બધા જ મારા મીત્રો છે. આ ચર્ચિત નિવેદન તેમણે વર્ષ 2017 માં કોંગ્રેસ છોડતા સમયે આપ્યું હતું. તેઓ અજીત પવારના સહયોગથી ફડણવીસના નેતૃત્વ વાળી સરકાર માટે બહુમતનો જુગાડ કરીને ભાજપાથી રાજ્યસભાની જે સીટ મળી હતી તેનું ઋણ ચૂકવવા માંગે છે. વર્ષ 2018 માં ગઠબંધન સહયોગી શિવસેનાના ભારે વિરોધ છતા પણ ભાજપાએ તેમને પોતાના કોટામાંથી રાજ્યસભામાં મોકલ્યા હતા. તો વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમની પાર્ટી મહારાષ્ટ્ર સ્વાભિમાન પક્ષનો વિલય કરીને દેવેન્દ્ર ફડણવીસે તેમને ભાજપામાં શામિલ કર્યા હતા.